Croatia beat Morocco to finish third in the FIFA World Cup
ક્રોએશિયન ખેલાડીઓ શનિવારે અલ રેયાનમાં ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે, મોરોક્કો સામે ફિફા વર્લ્ડ કપ 2022 ની ત્રીજા સ્થાનની પ્લે-ઓફ મેચ જીત્યા પછી ઉજવણી કરે છે. (ANI ફોટો)

કતારમાં ફિફા વર્લ્ડકપમાં ત્રીજા સ્થાન માટેની ખલીફા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ક્રોએશિયાએ મોરોક્કોને 2-1થી હરાવ્યું હતું. આ જીત સાથે ક્રોએશિયા ટૂર્નામેન્ટમાં ત્રીજા અને મોરોક્કો ચોથા સ્થાને રહ્યું હતું. ક્રોએશિયા તરફથી ગ્વાર્ડિઓલા અને ઓરસિચે ગોલ નોંધાવ્યા હતા. જ્યારે મોરક્કો તરફથી એકમાત્ર ગોલ ડારીએ કર્યો હતો. આ સાથે મોરક્કો વર્લ્ડકપમાં ચોથું સ્થાન મેળવનારી સૌપ્રથમ આફ્રિકન ટીમ બની હતી.

ક્રોએશિયાની ટીમ આ બીજી વખત વર્લ્ડકપમાં બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યું હતુ. તેઓ 1998માં પણ ત્રીજા ક્રમે રહ્યા હતા. મોરક્કોના ખેલાડીઓએ શાનદાર દેખાવ કર્યો હતો. જોકે તેઓ ગોલ સ્કોરિંગમાં તેને તબદીલ કરી શક્યા નહતા. મેચની પ્રથમ 9 મિનિટમાં બે ગોલ થયા હતા. ક્રોએશિયાના ગાર્ડિઓલે સાતમી મિનિટે હેડર વડે ગોલ કર્યો હતો. તેના શાનદાર ગોલની મદદથી ટીમે મેચમાં 1-0ની સરસાઈ મેળવી લીધી હતી. આ ગોલને ઇવાન પેરીસિકે મદદ કરી હતી. જોકે આ લીડ લાંબો સમય ટકી શકી નહીં. મોરોક્કોના અશરફ દારીએ 9મી મિનિટે ગોલ કરીને મેચને 1-1થી બરાબર કરી દીધી હતી. તેણે આ ગોલ પણ હેડર વડે કર્યો હતો.

ક્રોએશિયાના મિસ્લાવ ઓરસિકે મેચનો નિર્ણાયક ગોલ કર્યો હતો. તેણે 42મી મિનિટે ગોલ કરીને પોતાની ટીમને મેચમાં 2-1થી આગળ વધારી હતી. તેણે લિવાજાના આસિસ્ટ પર આ ગોલ કર્યો હતો. આ પછી મેચમાં કોઈ ગોલ થઈ શક્યો ન હતો. મોરોક્કોએ મેચમાં 9 શોટનો પ્રયાસ કર્યો હતો પરંતુ માત્ર બે જ લક્ષ્યાંક પર હતા. ફૂટબોલમાં મોરોક્કો સામે ક્રોએશિયાનો આ પ્રથમ જીત છે. જો.કે અગાઉની બંને મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી.ફિફા વર્લ્ડ કપમાં ક્રોએશિયાના દિગ્ગજ લુકા મોડ્રિકની આ છેલ્લી મેચ હતી. 37 વર્ષીય મોડ્રિકની કપ્તાનીમાં ટીમ સતત બીજા વર્ષે સેમિફાઈનલમાં પહોંચી હતી.

LEAVE A REPLY

thirteen − 11 =