સાઉથ લંડનના ક્રોયડનના વ્હીટગિફ્ટ સેન્ટરમાં પ્રથમ વખત દિવાળી મહોત્સવની ઉજવણી કરાતા સમગ્ર વાતાવરણ તહેવારની ઉષ્મા, પ્રકાશ અને ઉર્જાથી ઝગમગી ઉઠ્યું હતું. 50 વર્ષ કરતા વધુ સમયથી ક્રોયડનમાં વસતો હિંદુ સમુદાય જૂનો, સ્થાયી અને સમૃદ્ધ છે પરંતુ કોઈએ આવા શોનું આયોજન કરવાનું વિચાર્યું નહતું.  ઇન્સ્પાયરીંગ ઇન્ડિયન વીમેનના સથવારે શ્રીમતી સીમા આનંદ અને સાથીઓએ સેન્ટ્રલ અને વ્હીટગિફ્ટ શોપિંગ સેન્ટર્સ ખાતે દિવાળી ઉત્સવની ઉજવણીનું શાનદાર આયોજન કર્યું હતું.

રેશમના ફૂલોથી ઉત્કૃષ્ટ રીતે શણગારેલા ગણેશજી સમક્ષ ભારતની સંસ્કૃતિની સમૃદ્ધિ અને તેના લોકોની સુંદરતાને વ્યક્ત કરતા ભરતનાટ્યમથી લઇને કર્ણાટિક નૃત્ય, બ્રેકડાન્સથી લઇને બોલિવૂડ ડાન્સ અને યોગથી માંડીને મ્યુઝિકલ, અને ક્રિએટિવ આર્ટ્સ સુધીના વિવિધ પર્ફોર્મન્સ રજૂ થયા હતા. ઉત્સવમાં દર્શકો, કલાકારો, ગૌરવપૂર્ણ માતા-પિતા વચ્ચે એક અદ્ભુત શક્તિશાળી સિનર્જી બનાવવામાં આવી હતી.

પ્રોફેશનલ્સથી લઈને એમેચ્યોર, વૃદ્ધથી લઈને યુવાન કલાકારોએ સુંદર પર્ફોર્મન્સ દ્વારા દિવાળીની ભાવનાને જીવંત કરી હતી. આ ઉત્સવે સમગ્ર દેશમાંથી કલાકારોને એકઠા કર્યા હતા.  ઉત્સવમાં સેંજુતિના રિધમ અને ડાન્સના ગ્લેમરસ ડાન્સર્સ, સિયા અને આરવ રાઉ, માતા-પુત્રીની જોડી મૌમિતા અને તનિષા, ઈન્દ્રધનુષકિડ્સના વિદ્યાર્થીઓ, પરોમિતા ગોસ્વામી, વિની કાલિયા, સૌમ્યા અને તેની ટીમ, ફોરમ્સ ડાન્સ એકેડમી અને ક્રાતિ બંગા તેમજ તેની ટીમ અને બીજા ગ્રૂપના કલાકારો તરફથી ગીતો, નૃત્યો અને પરફોર્મન્સ રજૂ કરાયા હતા.

દિવ્યા ચારી અને રુચિતા બ્રહ્મક્ષત્રિય દ્વારા લગભગ સો લોકોની હથેળીઓમાં મફતમાં મહેંદી કરવામાં આવી હતી. Mehakflowers.co.ukના અનિતા ચૌધરી દ્વારા મફત દિવા બનાવવાના વર્કશોપમાં ઘણા બાળકો જોડાયા હતા. તસવીર સૌજન્ય: ક્રાંતિ રોય, પિંક પર્લ્સ ફોટોગ્રાફી યુકે