ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 23 ઓક્ટોબરે વેક્સિન ઉત્પાદકો સાથે બેઠક કરી હતી. આ દરમિયાન સીરમના સીઇઓ આદાર પૂનાવાલા અને કંપનીઓના સીઇઓ હાજર રહ્યાં હતા. (PTI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કોરોના વેક્સિન ઉત્પાદકોને મળ્યા હતા. વેક્સિન કંપનીઓના સીઇઓએ જણાવ્યું હતું કે ભારત નવ મહિનામાં વેક્સિનના 100 કરોડ ડોઝ આપી શક્યું તે માટે મોદીનું નેતૃત્વ મુખ્ય પરિબળ બન્યું છે. સાઇરસ પૂનાવાલા જણાવ્યું હતું કે”જો મોદી ન હોત તો આજે ભારત એક અબજ ડોઝ આપી શક્યો ન હોત.
સૂત્રોએ જણાવ્યું હતું કે આ બેઠક દરમિયાન વડાપ્રધાને વેક્સિન માટે વધુ રિસર્ચ સહિતના વિવિધ મુદ્દાની ચર્ચા કરી હતી. આ બેઠકમાં સાત વેક્સિન કંપનીના પ્રતિનિધિ હાજર રહ્યાં હતા, જેમાં સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા, ભારત બાયોટેક, ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ, ઝાયડસ કેડિલા બાયોજિકલ-ઇ, જિનોવા બાયોફાર્મા અને પેનેશિયા બાયોટેકનો સમાવેશ થાય છે.

આ બેઠક બાદ સીરમના આદાર પૂનાવાલાએ 100 કરોડ ડોઝના સિમાચિહ્ન માટે મોદીના વિઝનને શ્રેય આપ્યો હતો અને જણાવ્યું હતું કે આ બેઠકમાં ઇન્ડસ્ટ્રીને કેવી રીતે આગળ લઈ જવી અને ભાવિ મહામારી માટે તૈયારી કરવી તથા કેપેસિટીમાં વધારો ચાલુ રાખવાના મુદ્દાની ચર્ચા થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે વિશ્વભરના દેશો વેક્સિન ઉત્પાદન માટે રોકાણ કરી રહ્યાં છે અને ભારતે તેમાં મોખરે રહેવાની જરૂર છે. ઉદ્યોગ અને સરકાર સાથે મળીને આવું કેવી રીતે કરી શકે તે અંગે અમે ચર્ચા કરી હતી.

આદાર પૂનાવાલાના પિતા સાઇરસ પૂનાવાલાએ જણાવ્યું હતું કે”જો મોદી ન હોત અને તેઓ આરોગ્ય મંત્રાલયના ચાલકબળ ન હોત તો આજે ભારત એક અબજ ડોઝ આપી શક્યો ન હોત. આ અંગે મારા મનમાં કોઇ શંકા નથી.”વડાપ્રધાન સીરમની એ હૈયાધારણાથી ખુશ થયા હતા કે સીરમ વિશ્વમાં શક્ય તેટલાં નીચા ભાવે ભારતને વેક્સિનમાં આત્મનિર્ભર બનાવશે.

ઝાયડસના પંકજ પટેલે જણાવ્યું હતું કે મોદી ડીએનએ આધારિત કોવિડ વેક્સિનના વિકાસમાં સૌથી મોટું પરિબળ છે. વડાપ્રધાનના પ્રોત્સાહન અને સમર્થન માટે તથા યુનાઇટેડ નેશન્સના સંબોધનમાં ડીએનએ વેક્સિનનો ઉલ્લેખ કરવા બદલ પંકજ પટેલે મોદીની પ્રશંસા કરી હતી.

આ બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા અને રાજ્યકક્ષાના આરોગ્ય ભારતી પ્રધાન પ્રવીણ પવાર પણ ઉપસ્થિત રહ્યાં હતા.

આરોગ્ય મંત્રાલયના લેટેસ્ટ ડેટા મુજબ ભારતમાં વેક્સિનના કુલ 101.30 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. ભારતે 21 ઓક્ટોબરે 100 કરોડ ડોઝની સિદ્ધિ હાંસલ કરી હતી. ભારતના ઓછામાં ઓછા 75 ટકા પુખ્ત લોકોએ એક ડોઝ લીધો છે. નવ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ તમામ પુખ્ત લોકોને પ્રથમ ડોઝ આપ્યો છે. દેશમાં 93 કરોડ પુખ્ત લોકોમાંથી 31 ટકા લોકોએ બંને ડોઝ લીધા છે.