ફોટોઃ TWITTER IMAGE POSTED BY @MohanDelkar ON MARCH 26, 2020 (PTI Photo)

ગુજરાતના છેવાડે આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના અપક્ષ સાંસદ મોહનભાઈ ડેલકર સોમવાર, 22 ફેબ્રુઆરી 2021ના રોજ મુંબઈની એક હોટેલમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. પ્રાથમિક અહેવાલ મુજબ 2019માં સાતમી વખત સાંસદ બનેલા ડેલકરે આત્મહત્યા કરી હોવાની આશંકા છે. ડેલકરની ઉંમર 58 વર્ષ હતી.

તેમની પાસેથી ગુજરાતી ભાષામાં લખેલી સ્યૂઈસાઈડ નોટ મળી આવી હોવાનું કહેવાય છે. તેમનો મૃતદેહ પોસ્ટમાર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી હતી. સિલવાસામાં જન્મેલા ડેલકરે ભારતીય નવશક્તિ પાર્ટીની સ્થાપના પણ કરી હતી. તેમણે છેલ્લે 22 ઓક્ટોબર 2020ના રોજ ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને જન્મદિનની શુભેચ્છા આપી હતી.

ડેલકર 1991 અને 1996માં કોંગ્રેસની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડીને સાંસદ બન્યા હતા. 1998માં ભાજપના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડી સાંસદ બન્યા હતા 1999 અને 2004માં અપક્ષ અને ભારતીય નવશક્તિ પાર્ટીના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી જીત્યા હતા.