(ANI Photo)

સાઉથ આફ્રિકાના વિકેટકિપર બેટ્સમેન ક્વિન્ટન ડી કૉકે અચાનક જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેર કરી ક્રિકેટ જગતને ચોંકાવી દીધું હતું. સેન્ચુરીઅન ટેસ્ટમાં સાઉથ આફ્રિકાના પરાજય પછીના ગણતરીના કલાકોમાં જ ક્રિકેટ સાઉથ આફ્રિકાએ એક નિવેદનમાં જાહેરાત કરી હતી કે, ક્વિન્ટન ડી કૉકે ટેસ્ટ ક્રિકેટમાંથી તાત્કાલિક અસરથી નિવૃત્તિ લીધી છે. ડી કૉકે એક નિવેદનમાં જણાવ્યું હતુ કે, આ નિર્ણય મેં લાંબી વિચારણા બાદ લીધો છે. સાશા અને હું આગામી ટુંક સમયમાં માતા-પિતા બનવાના છીએ. મારા માટે મારો પરિવાર સર્વસ્વ છે. અમારા જિંદગીના નવા અધ્યાયની શરૃઆત થઈ રહી છે, ત્યારે હું ઈચ્છું છું કે, પરિવારને વધુ સમય આપું. જો કે હું લિમિટેડ ઓવર્સ ક્રિકેટમાં રમતો રહીશ.