દિલ્હીના ઐતિહાસિક ઇન્ડિયા ગેટની લોકડાઉન દરમિયાનની 29 એપ્રિલ 2020ની ફાઇલ તસવીર (Photo by Yawar Nazir/Getty Images)

કોરોના કેસોમાં વધારાને પગલે દિલ્હીની કેજરીવાલ સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં 30 એપ્રિલ સુધી નાઈટ કરફ્યૂ લાગુ કરવાનો મંગળવારે નિર્ણય કર્યો હતો. તેનાથી દિલ્હીમાં રાતના 10:00 વાગ્યાથી સવારના 5:00 વાગ્યા સુધી લોકોના બહાર નીકળવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ આદેશ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે અને તે 30 એપ્રિલ સુધી અમલી રહેશે.

દિલ્હીમાં સોમવારે કોરોના વાઇરસના નવા 3,548 કેસ નોંધાયા હતા અને 15 વ્યક્તિના મોત થયા હતા. શહેરમાં પોઝિટિવ રેટ વધીને 5.54 ટકા થયો હતો.

દિલ્હી સરકારે નાઈટ કર્ફ્યુ માટે ગાઈડલાઈન જાહેર કરી છે. તે અંતર્ગત પરિવહન પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નથી મુકાયો. સાર્વજનિક વાહનો જેવા કે બસ, ઓટો, ટેક્સી વગેરેને આ સમય દરમિયાન છૂટ આપવામાં આવી છે.

આ સાથે જ કરિયાણા, ફળ, શાકભાજી, દૂધ, દવાના વેપારીઓએ ઈ-પાસ બનાવડાવવો પડશે. જેથી તેઓ પોતાની સેવા ચાલુ રાખી શકે. જો કોઈ વ્યક્તિ વેક્સિન લગાવડાવવા જવા માંગતી હોય તો તેને છૂટ આપવામાં આવશે પરંતુ ઈ-પાસ લેવો પડશે. સરકારે કરફ્યૂમાં એરપોર્ટ, રેલવે સ્ટેશન કે બસ સ્ટોપ જવા માંગતા હોય તેવા લોકોને છૂટ આપી છે. મીડિયાના લોકોએ પણ સ્પેશ્યલ પાસ લેવાનો રહેશે.