ભારત સરકાર દ્વારા દિલ્હી-મુંબઇનો ગ્રીન એક્સપ્રેસ હાઇવે માર્ચ 2023માં પૂર્ણ કરવાનું આયોજન છે. આ હાઇવે કુલ 1380 કિલોમીટની લંબાઇ ધરાવે છે અને તેના માટે અંદાજે રૂ. 98,000 કરોડનો ખર્ચ થશે. આ હાઇવે ગુજરાતમાં 423 કિલોમીટરની લંબાઇ ધરાવે છે.
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં જે હાઇવે બની રહ્યો છે તેમાં અંદાજે રૂ. 35000 કરોડનો નો ખર્ચ થશે. જે અંતર્ગત 60 મોટા બ્રીજ, 17 ઇન્ટરચેન્જ, 17 ફ્લાયઓવર અને આઠ આરઓબી નિર્માણ પામશે. ભરૂચ પાસે નર્મદા નદી પર બાંધવામાં આવી રહેલો આઇકોનિક બ્રીજ ભારતનો પ્રથમ આઠ લેનનો બ્રીજ હશે. નવા એક્સપ્રેસ હાઇ-વેથી દિલ્હી અને મુંબઇ વચ્ચેનો મુસાફરી સમય 24 કલાકથી ઘટીને 12 કલાક થશે.
આ હાઇવે રાજસ્થાનના 380 કિલોમીટર, મધ્યપ્રદેશના 370 કિલોમીટર, મહારાષ્ટ્રના 120 કિલોમીટર અને હરિયાણામાં 80 કિલોમીટરની લંબાઇ ધરાવે છે. કુલ પાંચ રાજ્યોના મોટા શહેરો જેવાં કે જયપુર, કિશનગઢ, અજમેર, કોટા, ચિત્તોડગઢ, ઉદયપુર, ભોપાલ, ઉજ્જૈન, ઇન્દોર, અમદાવાદ, વડોદરા અને સુરતનો વિકાસ ઝડપથી થશે.
આ ગ્રીન હાઇવેની શરૂઆત માર્ચ 2019માં કરવામાં આવી હતી. 1380 કિલોમીટર પૈકી 1200 કિલોમીટરના કોન્ટ્રાક્ટ આપવામાં આવેલા છે. ગુજરાતમાં કુલ 390 કિલોમીટરના માર્ગ માટે કોન્ટ્રાક્ટ અપાઇ ચૂક્યાં અને હાલ કામ ચાલી રહ્યું છે. ગુજરાતના દાહોદ, લીમખેડા, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત અને વલસાડ સહિત અન્ય શહેરોને કનેક્ટિવિટી પૂરી પાડવા માટે રાજ્યભરમાં અનેક ઇન્ટરચેન્જની યોજના છે.
ગુજરાતમાં આ કોરિડોરની મુખ્ય વિશેષતા એ છે કે દિલ્હી-વડોદરા વિભાગમાં ટકાઉ ડિઝાઇન સાથે આયોજિત નવીન પેવમેન્ટ ડિઝાઇન અને એક્સપ્રેસ-વે ને ટકાઉ બનાવવા માટે આબોહવાની પરિસ્થિતિઓના આધારે વડોદરા-મુંબઈ વિભાગ માટે કોંક્રિટ પેવમેન્ટ ડિઝાઇન કરવામાં આવી છે. રાજ્યમાં રોજગારીની તકો ઊભી કરવા તેમજ મુસાફરી માટે વિશ્વસ્તરીય સુવિધાઓ પૂરી પાડવા માટે 33 રોડસાઇડ સુવિધાઓ (WSAs)નું આયોજન કરવામાં આવી રહ્યું છે.