મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ (ANI Photo)

સીબીઆઇએ મંગળવારે બોમ્બે હાઇ કોર્ટમાં જણાવ્યું હતું કે રાજ્યના મુખ્ય સચિવ સીતારામ કુંતે અને ડીજીપી સંજય પાંડે સામેના સમન રદ કરવા માટે મહારાષ્ટ્ર સરકારે દાખલ કરેલી અરજીના મુખ્ય સૂત્રધાર અનિલ દેશમુખ હતા. સીબીઆઇએ કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર માત્ર એક મુખોટુ હતી. આ અરજી દાખલ કરવા પાછળનો મુખ્ય હાથ ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ હતા.

સીબીઆઇ હાલમાં અનિલ દેશમુખ સામેના ભ્રષ્ટાચાર અને ખંડણીના આરોપની તપાસ કરી રહી છે. સીબીઆઇ તરફથી એડિશનલ સોલિટર જનરલ અમન લેખીએ કોર્ટમાં આ રજૂઆત કરી હતી. જસ્ટિસ નીતિન જામદાર અને એસવી કોટવાલની બનેલી ખંડપીઠને અમન લેખીએ જણાવ્યું હતું કે સીતારામ કુંતે અને સંજય પાંડેને જારી કરવામાં આવેલા સમન્સની વિરુદ્ધ જે અરજી દાખલ કરવામાં આવી હતી તે હકીકતમાં સીબીઆઇની તપાસને આડે પાટે લઈ જવાનો પ્રયાસ હતો.

અમન લેખીએ કોર્ટમાં જણાવ્યું હતું કે દેશમુખ મહારાષ્ટ્રના ગૃહપ્રધાન હતા ત્યારે તેમણે પોલીસ બોર્ડે કરેલી ટ્રાન્સફર અને પોસ્ટિંગની ભલામણોને રદ કરી દીધી હતી, તે અંગેના પુરાવા સીબીઆઇએ એકઠા કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે અમારી પાસે એ વાતના પુરાવા છે કે બોર્ડની કેટલીક ભલામણો મંજૂરી કરાઈ ન હતી, કેટલાંક નિર્ણયોને બદલવામાં આવ્યાં હતાં અને કેટલીક ટ્રાન્સફર પોલીસ બોર્ડની જાણકારી વગર કરવામાં આવી હતી.