શ્રીલંકાએ ચીનના જાસૂસી જહાજને છૂટ આપી
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતનો વિરોધ હોવા છતાં શ્રીલંકાની સરકારે ચીનના કથિત જાસૂસી હાઇટેક જહાજને 16થી 22 ઓગસ્ટ સુધી તેના હંબનટોટા પોર્ટ પર લંગારવાની છૂટ આપી છે. અગાઉ ભારતના તીવ્ર દબાણને કારણે શ્રીલંકાએ ચીનના આ વિવાદાસ્પદ જહાજના આગમને મોકૂફ રાખવાની ચીનની વિનંતી કરી હતી. આ પછી ચીને તાકીદે ચીનના સત્તાવાળા સાથે બેઠકની માગણી કરી હતી.

યુઆન વાંગ-5 નામનું આ બેલિસ્ટિક એન્ડ સેટેલાઇટ ટ્રેકિંગ જહાજ અગાઉ ગુરુવારે હંબનટોટા પોર્ટ પર આવવું હતું અને 17 ઓગસ્ટ સુધી રહેવાનું હતું. જોકે ભારત સુરક્ષા અંગેની ચિંતા વ્યક્ત કર્યા બાદ શ્રલંકાના વિદેશ મંત્રાલયે ગયા સપ્તાહે જહાજના આગમનને મોકૂફ રાખવાની ચીનના દુતાવાસને વિનંતી કરી હતી. તેનાથી યોજના મુજબ ગુરુવારે આ જહાજ હંબનટોટા પોર્ટ પર આવ્યું ન હતું. હવે તે 16 ઓગસ્ટે પોર્ટ પર આવશે 22 ઓગસ્ટ ઓગસ્ટ સુધી રહેશે. જહાજ હંબનટોટાથી આશરે 600 નોટિકલ માઇલ દૂર હાલમાં પ્રવેશ માટેની મંજૂરીની રાહ જોઇ રહ્યું છે.

આ મુદ્દે શ્રીલંકામાં મોટો રાજકીય વિવાદ ઊભો થયો છે. વિપક્ષો આ મુદ્દાનું યોગ્ય સંચાલન ન કરવા માટે સરકાર પર પ્રહાર કરી રહ્યાં છે. હંબનટોટા પોર્ટ શ્રીલંકા માટે વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવે છે. ચીનની લોનને આધારે આ પોર્ટ વિકસાવવામાં આવ્યું છે.

પડોશી દેશ ભારતને ચિંતા છે કે આ જહાજ પાવરફૂલ ટ્રેકિંગ સિસ્ટમ ધરાવે છે, તેથી શ્રીલંકાના પોર્ટ પર જતી વખતે ભારતના મહત્ત્વના મથકોની જાસૂસી કરી શકે છે. ભારતે ભૂતકાળમાં પણ ચીનના જહાજો અંગે વિરોધ કરેલો છે. શ્રીલંકાએ 2014માં ચીનની અણુ સબમરિનને તેના પોર્ટ પર લંગારવાની છૂટ આપ્યા બાદ ભારત અને શ્રીલંકાના સંબંધો કથળ્યા હતા. સોમવારે ચીનના વિદેશ મંત્રાલયે ભારતનું નામ લીધા વગર જણાવ્યું હતું કે શ્રીલંકા પર દબાણ કરવા કેટલાંક દેશો સુરક્ષા ચિંતાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે, પરંતુ તે સંપૂર્ણપણ ગેરવાજબી છે.જોકે ભારતે આવા આક્ષેપને ફગાવી દીધો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તાઅરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે એક સાર્વભોમ દેશ તરીકે શ્રીલંકા સ્વતંત્ર રીતે પોતાના નિર્ણય કરે છે.