પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

વિદેશી ઇ-કોમર્સ કંપનીઓ તેમના ભારતીય એકમ મારફત ગૂડ્સ અને સર્વિસિસનું વેચાણ કરશે તો તેમના પર ભારતમાં બે ટકાનો ડિજિટલ ટેક્સ લાગુ પડશે નહીં. ભારત સરકારે આવા ટ્રાન્ઝેક્શન પર ટેક્સ ન લેવાનો 24 માર્ચે નિર્ણય કર્યો હતો.

ફાઇનાન્સ બિલ 2021ના સુધારામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો વિદેશી ઇ-કોમર્સ કંપનીઓ ભારતમાં કાયમી માળખું ધરાવતી હોય અથવા ભારતમાં ઇનકમ ટેક્સ ભરતી હોય તો તેમના પર બે ટકાનો ઇક્વિલાઇઝેશન ટેક્સ લાગુ પડશે નહીં. જોકે ભારતમાં કોઇ ટેક્સ ન ચુકવતી વિદેશી કંપનીઓએ આ ટેક્સ ભરવો પડશે.

એપ્રિલ 2020માં લાગુ કરવામાં આવેલો ડિજિટલ ટેક્સ રૂ. 2 કરોડની વધુની વાર્ષિક આવક ધરાવતી માત્ર બિનનિવાસી કંપનીઓને લાગુ પડે છે.

લોકસભામાં ફાઇનાન્સ બિલ 2021ની ચર્ચાનો જવાબ આપતા ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે સરકારના સુધારા મારફત હું સ્પષ્ટતા કરવા માગું છું કે ભારતીય નિવાસીની માલિકાના ગૂડ્સના વેચાણભાવ પર આ ટેક્સ લાગુ પડશે નહીં.

સરકાર ડિજિટલ ટ્રાન્ઝેક્શનની તરફેણ કરતી હોવાનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું હતું કે અમે આવા ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માગીએ છીએ. પરંતું ભારતમાં ટેક્સ ભરતા ભારતીય બિઝનેસ તથા ભારતમાં બિઝનેસ કરતાં પરંતુ ઇનકમ ટેક્સ ન ભરતી વિદેશી ઇ-કોમર્સ કંપનીઓને સમાન તક પૂરી પાડવા માટે આ ટેક્સ લાગુ કરવામાં આવ્યો છે. અમેરિકાએ ઇક્વિલાઇઝેશન ટેક્સને તેની કંપનીઓ વિરુદ્ધનો હોવાનું જણાવ્યા મુજબ આ ટેક્સ અંગે વિવાદ થયો હતો.