કચ્છના વતની અને બંગાળમાં મમતા બેનર્જીના નજીકના ભૂતપૂર્વ સાથી દિનેશ ત્રિવેદી શનિવારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. તેમણે ગત મહિને રાજ્યસભામાંથી તૃણમૂલ કોંગ્રેસના સાંસદ પદેથી પણ રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ તેમની ભાજપમાં જોડાવાની અટકળો તેજ થઇ ગઇ હતી. નવી દિલ્હીમાં ભાજપના મુખ્યાલય ખાતે રાષ્ટ્રીય પ્રમુખ જગતપ્રકાશ નડ્ડાએ ત્રિવેદીને પક્ષમાં સામેલ કર્યા હતા. યુપીએ સરકાર વખતે ત્રિવેદી રેલવે પ્રધાન હતા, પરંતુ તેમણે રેલવે બજેટમાં મુસાફરી મોંઘી બનાવતા મમતા બેનરજી નારાજ થયા હતા અને તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. અગાઉ મમતા બેનરજીના પક્ષના અનેક શીર્ષસ્થ નેતાઓ ભાજપ જોડાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળની વિધાનસભાની 294 સીટો પર 27 માર્ચથી આઠ તબક્કામાં મતદાન શરૂ થવાનું છે અને રાજ્યમાં સત્તાસ્થાને પહોંચવા માટે ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે તીવ્ર રસાકસી જોવા મળે છે.