(Photo by JEWEL SAMAD/AFP via Getty Images)

અત્યારે વિશ્વભરના લોકો કોરોના વાઇરસ મહામારીથી ગંભીર રીતે ત્રસ્ત છે. કોરોનાએ અનેક લોકોનું આર્થિક, સામાજિક અને પારિવારિક જીવન ખોરવી નાખ્યું છે. ભારતમાં પણ સ્થિતિ ખરાબ જ છે. લોકો ઓક્સિજન માટે રીતસરના વલખા મારતા હતા. આ સ્થિતિ જોઇને સામાન્ય લોકોથી લઈને બોલીવૂડ સેલિબ્રિટીઝ પણ દ્વવી ઉઠી હતી. આથી દિશા પટણી પણ ખૂબ જ ચિંતિત હતી.

દિશા કહે છે કે વર્તમાન સમયમાં બધાને સલામત રહેવાની અને એકમેકની મદદ કરવાની જરૂર છે. જેમની પાસે પાયાની સાધન સામગ્રી નથી તેમને માટે આ સમય અત્યંત કઠીન છે. તેથી આપણે લોકોની યથાશક્તિ સહાય કરવી જોઈએ અને કોરોનાથી બચવા માટેના તમામ નિયમોનું પાલન કરવું જોઈએ. આપણે બધા અત્યારે એક જ નાવમાં સવાર છીએ. હું ઇચ્છું છું કે આ કપરો સમય ઝડપથી ટળી જાય અને આપણે પૂર્વવત થઇ જઇએ. આ સંજોગોમાં ફિલ્મોના શૂટિંગ સ્થગિત થઈ ગયા હોવાથી દિશાની સલમાન ખાન સાથેની મૂવી ‘રાધે : યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ રિલિઝ થઇ છે.

ઉલ્લેખનીય છે કે આ મૂવીમાં દિશા સલમાન ખાન સાથે બીજી વખત કામ કરી રહી છે. અગાઉ તેણે ‘ભારત’ (2019)માં સલમાન સાથે કામ કર્યું હતું. દિશા કહે છે કે સલમાન ઉમદા ઇનસાન છે. તે તેની સાથે કામ કરનારાઓને કોઈ તકલીફ ન થાય તેનું ખાસ ધ્યાન રાખે છે. તેની સાથે કામ કરતી વખતે આપણને આપોઆપ પ્રેરણા મળે છે. હું ભાગ્યશાળી છું કે મને ફરી એક વખત તેની સાથે કામ કરવાની તક મળી છે. આ ઉપરાંત દિશા પાસે ‘કે ટિના’ અને ‘એક વિલન રિટર્ન્સ’ જેવી ફિલ્મો પણ છે.