22 વર્ષની ક્લાઇમેટ એક્ટિવિસ્ટ દિશા રવિ (ફાઇલ ફોટો REUTERS/Adnan Abidi)

ખેડૂત આંદોલન સંબંધિત ટૂલ કિટ કેસમાં મંગળવારે દિલ્હીની સેશન કોર્ટે બેંગ્લોરની 22 વર્ષીય ક્લાઇમેટ એક્ટિવિસ્ટ દિશા રવિને જામીન આપ્યા હતા. જોકે જામીનની સામે કોર્ટે એક-એક લાખ રુપિયાની બે પર્સનલ ગેરંટી માગી હતી. ખેડૂતોના આંદોલનને ભડકાવવા માટે ઓનલાઇન ટુલકિટ બનાવવામાં કથિત ભૂમિકા બદલ દિશા રવિ સામે પોલીસે દેશદ્વોહનો કેસ દાખલ કરેલો છે.

સ્વિડિશ ક્લાઇમેટ ચેન્જ એક્ટિવિસ્ટ ગ્રેટ થનબર્ગે સ્થાપેલા એક ઓર્ગેનાઇઝેશન સાથે પણ દિશા જોડાયેલી છે. તેની બનાવેલી ટુલકિટ થનબર્ગે ટ્વીટ કરી હોવાનું માનવામાં આવે છે.

ટૂલકિટ કેસમાં દિલ્હી પોલીસ દ્વારા દિશા રવિ અને આ કિટ તૈયાર કરવામાં સામેલ મનાતા બીજા બે વ્યક્તિઓ નિકિતા જેકોબ અને શાંતનુને આમને સામને બેસાડીને પૂછપરછ કરવામાં આવી હતી.

દિલ્હી પોલીસનુ કહેવુ છે કે, દિશાએ તમામ આરોપ શાંતનુ અને નિકિતા પર નાંખી દીધા છે. ઉલ્લેખનીય છે કે, એક્ટિવિસ્ટ દિશા રવિને ખેડૂત આંદોલનને ભડકાવવા માટે ટૂલ કિટ બનાવવાના આરોપમાં દિલ્હી પોલીસે પકડી હતી. પોલીસના મતે કેનેડામાં રહેતા એમ ઓ ધાલીવાલ નામનો વ્યક્તિ ભારતમાં આંદોલન ભડકાવવા માંગતો હતો. તે સીધી રીતે તેમાં સામેલ થવા નહીં માંગતો હોવાથી તેણે ભારતમાં કેટલાક લોકોનો સહારો લીધો હતો.આંદોલન માટેની ટૂલ કિટમાં ક્યારે કયા પ્રકારે આંદોલન ભડકાવવુ તેનો ઉલ્લેખ હતો અને આ ટૂલ કિટ દિશા રવિએ એડિટ કરી હતી. પોલીસનો આરોપ છે કે, દિશા દ્વારા પુરાવા સાથે છેડછાડ કરવામાં આવી છે.