કોરોનાકાળમાં ધૂમ વેચાયેલી ડોલો-650 ટેબ્લેટની ઉત્પાદક કંપની માઇક્રો લેબ્સ પર આવકવેરા વિભાગે બુધવાર(6 જુલાઈ)એ દરોડા પાડ્યા હતા. બેંગલુરુ સ્થિત ફાર્મા કંપની સામે કથિત કરચોરીનો આરોપ છે. અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લાં બે વર્ષમાં કોરોના મહામારી દરમિયાન ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનથી શરૂ કરીને લોકોની વાતોમાં અને સોશિયલ મીડિયા પર એમ દરેક જગ્યાએ ડોલો-650 ટેબ્લેટ છવાયેલી રહી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે આવકવેરા વિભાગ આ સર્ચ કાર્યવાહીના ભાગરુપે કંપનીના ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ, બેલેન્સશીટ અને બિઝનેસ ડિસ્ટ્રિબ્યુટર નેટવર્કની તપાસ કરી રહ્યું છે. બેગલુરુ ખાતેના કંપનીના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત બીજા શહેરોમાં પણ કંપનીના કેટલાંક ઠેકાણા તથા તેના પ્રમોટર્સ અને ડિસ્ટ્રિબ્યુટર્સને પણ આ કાર્યવાહીમાં આવરી લેવામાં આવ્યા છે.

કંપનીની વેબસાઇટમાં જણાવ્યા મુજબ તે ફાર્મા પ્રોડક્ટ્સ અને એપીઆઇ (એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ)નું ઉત્પાદન અને માર્કેટિંગ ધરાવે છે તથા તેની પાસે 17 પ્લાન્ટ છે.

ડોલો-650 એનાલ્જેકિ (પેઇન કિલર) અને એન્ટીપાઇરેક્ટિવ (તાવ મટાડતી) દવા છે. ડોક્ટર્સ અને મેડિકલ સ્ટોર્સના માલિકો શરીરના દુખાવા અને તાવની સારવાર માટે આ ટેબ્લેટની ભલામણ કરતા હોય છે. કંપનીના જણાવ્યા અનુસાર ડોલો-650 ઘર-ઘરમાં જાણીતું નામ છે. કંપનીની વેબસાઇટમાં જણાવ્યા અનુસાર 2020માં કોરોના મહામારીની શરૂઆત પછીથી કંપનીએ 350 કરોડ ટેબ્લેટ (ડોલો 650)નું વેચાણ કર્યું છે અને એક વર્ષમાં 400 કરોડની આવક મેળવી છે. કંપનીના સીએમડી દિલીપ સુરાણા છે.