પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

મુસાફરોની એર ટ્રાવેલ માટેની માગને ધ્યાનમાં રાખીને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મંગળવારે જાહેરાત કરી હતી કે એરલાઇન્સ કંપનીઓ 18 ઓક્ટોબરથી કેપેસિટીના કોઇપણ નિયંત્રણો વગર ડોમેસ્ટિક ફ્લાઇટ્સનું ઉડ્ડયન કરી શકશે.
હાલમાં એરલાઇન્સ કંપનીઓ 18 સપ્ટેમ્બરથી 85 ટકા ક્ષમતાએ ડોમેસ્ટિક ફ્લાઇટ્સનું ઉડ્ડયન કરી શકે છે. કેપેસિટી નિયંત્રણો 12 ઓગસ્ટથી 18 સપ્ટેમ્બર સુધી 72.5 ટકા, 5 જુલાઈથી 12 ઓગસ્ટ વચ્ચે 65 ટકા અને પહેલી જૂનથી 5 જુલાઈ વચ્ચે 50 ટકા હતા.

9 ઓક્ટોબરે ભારતની એરલાઇન્સ કંપનીઓએ 2,340 ડોમેસ્ટિક ફ્લાઇટ્સનું ઉડ્ડયન કર્યું હતું, જે કુલ પ્રિ-કોવિડ કેપેસિટીના 71.5 ટકા છે.

મંત્રાલયે તેના ઓર્ડરમાં જણાવ્યું હતું કે 18 ઓક્ટોબર 2021થી શિડયુલ્ડ ડોમેસ્ટિક એર સર્વિસને કેપેસિટીના કોઇપણ નિયંત્રણો વગર ઉડ્ડયનની મંજૂરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એર ટ્રાવેલ માટે મુસાફરોની માગ અને શિડ્યુલ્ડ ડોમેસ્ટિક્સ ફ્લાઇટ્સની હાલની સ્થિતિની સમીક્ષા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકારે બે મહિના સંપૂર્ણ પ્રતિબંધ બાદ ગયા વર્ષની 25મેએ શિડ્યુલ્ડ ડોમેસ્ટિક ફ્લાઇટને ફરી ચાલુ કરવાની મંજૂરી આપી હતી. તે સમયે 33 ટકા કેપેસિટીની મર્યાદા હતી. આ મર્યાદાને ડિસેમ્બર 2020 સુધી તબક્કાવાર ધોરણે વધારીને 80 ટકા કરવામાં આવી હતી. 80 ટકાની મર્યાદા આ વર્ષની પહેલી જુલાઈ સુધી અમલી હતી. જોકે દેશભરમાં કોરોનાના એક્ટિવ કેસોમાં અચાનક ઉછાળાને કારણે પહેલી જૂનથી કેપેસિટીની મર્યાદાને 80 ટકાથી ઘટાડીને 50 ટકા કરવામાં આવી હતી.