નોન એશેન્શીયલ દુકાનો, રેસ્ટોરાં, બાર અને હોસ્પિટાલીટી ઇન્ડસ્ટ્રી બંધ થઇ જતાં તેમજ સર્વિસ સેક્ટર અને મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીને ભારે ફટકો પડ્યો હોવાથી યુકેમાં ડબલ-ડિપ મંદીનો ભય સેવાઇ રહ્યો છે.

બીજી તરફ અમુક રિટેલરો નબળી ક્રિસમસની ફરિયાદ કરી રહ્યા છે.

ચાન્સેલર ઋષિ સુનક માટે ખરાબ સમાચારનો ટ્રીપલ એટેક થયો છે. નબળા કન્ઝ્યુમર સ્પેન્ડીંગ, સતત ત્રીજા મહિને સૌથી વધુ માસિક ઉધાર દર્શાવતા પુરાવા અને યુકેના ખાનગી ક્ષેત્રની આવક મે મહિના પછી સૌથી નીચા લેવલે આવી ગઇ છે.

આઇએચએસ માર્કિટ / સીપ્સના માસિક ઇકોનોમી હેલ્થ ચેકમાં સર્વિસ સેક્ટર – જે અર્થતંત્રનો 80% હિસ્સો ધરાવે છે તેના પર બિન-આવશ્યક રિટેલિંગ, હોસ્પિટાલિટી અને લેઝર સેક્ટર બંધ થવાથી ભારે અસર પડી છે. તેની પ્રવૃત્તિ ડિસેમ્બરમાં 49.4 પોઇન્ટથી ઘટીને જાન્યુઆરીમાં 38.8 પોઇન્ટ થઈ ગઈ છે અને તે 50 કરતાં નીચે હોવી તેનો અર્થ એ છે કે પ્રવૃત્તિ ઘટી રહી છે. કારખાનાઓ ખુલ્લા રહ્યા હોવા છતાં, કોવિડ અને બ્રેક્ઝીટના કારણે મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું રીડીંગ 57.5થી ઘટીને 52.9 પર આવ્યું હતું.

દરમિયાન, યુ.કે. સરકારે ડિસેમ્બર મહિનામાં લીધેલા દેવાની રકમ સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી. તો કોરોનાવાયરસ રોગચાળાના કારણે ખર્ચમાં વધારો થયો હતો અને વેરાની આવક ઘટી હતી. ધ ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સે જણાવ્યું હતું કે પાછલા મહિનામાં ઋણની રકમ £34.1 બિલીયન પર પહોંચી હતી. જે એક વર્ષ પહેલાં તેજ મહિનામાં £28 બિલીયન હતી.

નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં ખર્ચ અને કરની આવક ઉપરાંત અન્ય આવક વચ્ચેનો તફાવત £212 બિલીયન થયો હતો અને બજેટ ખાધ £271 બિલીયન થઇ હતી. ઑફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલીટીએ એવો અંદાજ લગાવ્યો છે કે માર્ચમાં, નાણાકીય વર્ષના અંત સુધીમાં ઋણની રકમ £394 બિલીયન થઇ જશે જે ઇતિહાસમાં શાંતિ સમયની સૌથી વધુ ખોટ હશે.