11 વર્ષના સમયગાળામાં 14 વર્ષ કરતા ઓછી વયની એક બાળા પર જાતીય અપરાધોના શ્રેણીબધ્ધ ગુનાઓ બદલ દોષિત ઠરેલા અને નોર્થ લંડનના ફ્રાયર્ન બાર્નેટના મલ્હામ ક્લોઝ ખાતે રહેતા 79 વર્ષીય ભૂતપૂર્વ જીપી ડૉ. લલિતકુમાર મુલજીભાઈ નિર્મલને 15 વર્ષ અને છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે.

મૂળ ગુજરાતી અને લંડનમાં વસતા ગુજરાતી સમુદાયમાં જાણીતા ડૉ. લલિત નિર્મલને 10 ઓગસ્ટ, બુધવારના રોજ વૂલીચ ક્રાઉન કોર્ટમાં 14 વર્ષથી ઓછી ઉંમરની છોકરી પર અશ્લીલ હુમલાના આઠ ગુના અને 14 વર્ષથી ઓછી ઉંમરની અન્ય છોકરી સાથે અભદ્ર વર્તણુંક કરવાના ચાર ગુનાઓ બદલ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. નિર્મલે 14 વર્ષથી ઓછી ઉંમરની છોકરી પર અશ્લીલ હુમલાના અને 8થી 14 વર્ષથી ઓછી ઉંમરની છોકરી સાથે અશ્લીલ હરકત કરવાના ચાર આરોપોનો સ્વીકાર કર્યો હતો. તેની જાણીતી એક અન્ય યુવાન છોકરી પર અશ્લીલ હુમલાના એક આરોપ માટે પણ દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

આ ગુનાઓ તેણે 1975 અને 1986ની વચ્ચે વેલ્સના કુમ્બ્રાન, સાઉથ લંડનના ક્રોયડન અને સિડનહામમાં આચર્યા હતા. ભોગ બનેલી બાળા ડૉ. નિર્મલની જાણીતી હતી અને તેણે આ બાળાની મજબૂરીનો વર્ષો સુઘી લાભ ઉઠાવ્યો હતો. તે પોતાના પરિવારજનોને પણ ડૉ નિર્મલના કાળા કરતૂતોની જાણ કરી શકી નહતી.

સૌ પ્રથમ ફરિયાદ ઓક્ટોબર 2019માં કરાઇ હતી. વધુ માહિતી બે મહિના પછી જાહેર કરાઇ હતી. 5 ઓગસ્ટ 2020ના રોજ, ડૉ. નિર્મલની કોશન હેઠળ મુલાકાત લેવાયા બાદ ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ સાથે વિગતવાર તપાસ અને પરામર્શ કર્યા પછી, 24 મે 2021ના ​​રોજ તેના પર આરોપ મૂકાયો હતો.

ડૉ. નિર્મલ 1972 અને 1995ની વચ્ચે જનરલ મેડિકલ કાઉન્સિલમાં જનરલ પ્રેક્ટિશનર તરીકે નોંધાયેલ હતો. અપરાધના સમયે વેલ્સના કુમ્બ્રાનમાં જીપી તરીકે પ્રેક્ટિસ કરતો હતો.

સાઉથ ઈસ્ટ બીસીયુ સીઆઈડીના ડિટેક્ટીવ સાર્જન્ટ માર્ક મોરિસે કહ્યું: “હું આ કેસમાં ભોગ બનેલા પીડિતોનો હૃદયપૂર્વક આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માંગુ છું, જેમણે પોલીસની સામે આવીને અને દુર્વ્યવહારના વર્ષોના આઘાતને યાદ કરીને અત્યંત હિંમત દાખવી છે. તેમણે વેઠેલી શારીરિક અને માનસિક યાતનાઓ અને શોષણની કલ્પના પણ કરી શકાતી નથી. હું આશા રાખું છું કે આજની સજા તેમને શાંતિની ભાવના આપશે. નિર્મલ 1980ના દાયકામાં વેલ્સના ટોર્ફેન વિસ્તારમાં જીપી હતા. ભોગ બનેલા લોકો તેમના દર્દી ન હતા. આપણે એવી શક્યતાને ધ્યાનમાં લેવી જોઈએ કે તેણે અન્યોને નુકસાન પહોંચાડવા માટે પોતાની સ્થિતિનો દુરુપયોગ કર્યો હતો. આથી, હું માહિતી ધરાવનાર સૌને પોલીસનો સંપર્ક કરવા વિનંતી કરૂ છું.”

વેલ્સના ગ્વેન્ટ પોલીસના ડિટેક્ટીવ સુપરિન્ટેન્ડેન્ટ માર્ટિન પ્રાઇસે જણાવ્યું હતું કે: “આજે નિર્મલ તેની 15.5 વર્ષની સજાની શરૂઆત સાથે જ તેણે લોકોને આપેલી પીડા અને વેદનાને સમજવાનું શરૂ કરશે. હું એ અધિકારીઓની સખત મહેનત અને પ્રતિબદ્ધતાનો આભાર માનું છું કે જેમણે ન્યાય મળે તે માટે પીડિતો સાથે કામ કર્યું છે. નિર્મલે તેના પદનો દુરુપયોગ કર્યો હતો હવે તેના કાર્યોના પરિણામોનો સામનો કરવો પડશે.”

ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસના બળાત્કાર અને ગંભીર જાતીય અપરાધોના એકમના વરિષ્ઠ ક્રાઉન પ્રોસિક્યુટર એન્જી બોવેને જણાવ્યું હતું કે “લલિત નિર્મલે જાતીય શોષણની સતત ઝુંબેશ ચલાવી હતી. તેના નિર્બળ પીડિતોના જીવન તેના અપરાધની હાનિકારક અસરથી બરબાદ થઈ ગયા છે. તેના આ કારનામા હિંસક અને ધિક્કારપાત્ર હતા. નિર્મલની એક પીડિતાએ તેના બાળપણનો મોટા ભાગનો સમય  –  એક દાયકા સુધી ભયાનક દુર્વ્યવહાર સહન કર્યો હતો.”

જેડીએ – યુકેના ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. લલિત નિર્મલને 21મી માર્ચ 2013ના રોજ લંડન બરો ઓફ બાર્નેટના લોર્ડ મેયર તરફથી વર્ષો સુધી એશિયન સમુદાયના સ્વાસ્થ્યને સુધારવા માટે તેમની સ્વૈચ્છિક સેવાઓ માટે સિવિક એવોર્ડ એનાયત કરાયો હતો. ડૉ. નિર્મલ ભારતમાં સ્ક્રીનીંગ કેમ્પમાં પણ સેવા આપી હતી. તેણે 2001માં કચ્છ ભૂકંપ અને 2004ની સુનામી દરમિયાન પણ સેવાઓ આપી હતી. ડૉ. નિર્મલ અને તેમની પત્નીએ ઓરિસ્સામાં મેડિકલ કેમ્પમાં પણ સેવા આપી હતી.

ડૉ. નિર્મલે તેમની પત્ની સાથે મળીને લા ડિવ નર્સિંગ હોમ લિમિટેડ નામની કંપનીની સ્થાપના 1989માં કરી હતી. પરંતુ વર્ષ 2000માં તે બંધ કરી હતી. તે અન્ય કંપનીમાં પણ ડિરેક્ટર તરીકો જોડાયા હતા.

(તસવીર સૌજન્ય: મેટ પોલિસ)