(ANI Photo)

ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ની ટીમ 21 ઓક્ટોબરે મુંબઈમાં બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના નિવાસસ્થાન મન્નતમા તપાસ કરી હતી. એનસીબીની બીજી એક ટીમ બોલિવૂડ એક્ટર અનન્યા પાંડેના મુંબઈ સ્થિત નિવાસસ્થાને પણ જોવા મળી હતી. અનન્યા પાંડેને એનસીબીએ સમન્સ આપ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે ડ્રગ કેસમાં શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન હાલ મુંબઈની જેલમાં છે.

ગુરુવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમ શાહરૂખ ખાન અને ગૌરી ખાનના ઘરે પહોંચી હતી. NCBના અધિકારીઓના હાથમાં કેટલાક દસ્તાવેજો હતા. જે પરથી લાગી રહ્યું છે કે, તેઓ સર્ચ ઓપરેશન માટે આવ્યા હતા. જોકે, શાહરૂખ ખાનના સ્ટાફે અધિકારીઓને અંદર સરળતાથી નહોતા જવા દીધા. થોડીવાર બહાર ઊભા રાખતાં તેઓ અકળાયા હતા.તપાસ પૂરીને કરીને ‘મન્નત’માંથી નીકળતી વખતે NCBના એક અધિકારીએ કહ્યું, “કેસની તપાસ ચાલી રહી છે એટલે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના અધિકારીઓ કોઈ સ્થળે પહોંચે કે કોઈ વ્યક્તિની મુલાકાત કરે તેનો અર્થ એ નથી કે તે વ્યક્તિ દોષી છે અથવા તેના પર તપાસ થઈ રહી છે. અમારે કેટલીય પ્રક્રિયાનું પાલન કરવાનું હોય છે.”

બીજી તરફ મુંબઈ ક્રૂઝ શિપ ડ્રગ્સ કેસનો રેલો એક્ટર ચંકી પાંડેના ઘર સુધી પહોંચ્યો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની એક ટીમ ગુરુવારે બપોરે એક્ટ્રેસ અનન્યા પાંડેના ઘરે પહોંચી હતી. અનન્યા ચંકી પાંડેની દીકરી છે. એક મહિલા અધિકારી સાથે NCBની ટીમ અનન્યાના ઘરે પહોંચી હતી. અહીં થોડી જ વારમાં સર્ચ ઓપરેશન પૂરું કર્યા બાદ તેઓ શાહરૂખના ઘરે પહોંચ્યા હતા. CBએ અનન્યા પાંડેને સમન પાઠવ્યું છે અને પૂછપરછ માટે બોલાવી છે. ઉલ્લેખનીય છે કે, એક દિવસ અગાઉ જ મીડિયામાં અહેવાલો વહેતા થયા હતા કે, આર્યન ખાનની વોટ્સએપ ચેટમાં એક ડેબ્યૂ કરવા જઈ રહેલી એક્ટ્રેસ સાથેની ચેટ મળી આવી હતી. NCBએ કોર્ટમાં દાવો કર્યો હતો કે, આર્યન અને આ એક્ટ્રેસ વચ્ચે ડ્રગ્સ અંગે ચર્ચા થઈ હતી. અનન્યા પાંડે શાહરૂખ ખાનની દીકરી સુહાનાની બેસ્ટ ફ્રેન્ડ છે. એટલું જ નહીં અનન્યા અને આર્યન પણ સારા મિત્રો છે. ઉપરાંત અનન્યાના પેરેન્ટ્સ ચંકી અને ભાવના પાંડે પણ શાહરૂખ અને ગૌરીના મિત્રો છે.