પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

આશરે રૂ.4,700 કરોડનું ટર્નઓવર ધરાવતી મહેસાણા દૂધસાગર ડેરીની અત્યંત રસાકસીભરી ચૂંટણીમાં 15 વર્ષથી એકહથ્થુ શાસન કરતા વિપુલ ચૌધરીની પેનલનો મંગળવારે કારમો પરાજય થયો હતો. અશોક ચૌધરીની આગેવાની હેઠળની ભાજપ સમર્થિત પેનલનો 15માંથી 13 બેઠકો પર વિજય થયો હતો. ડેરીમાં હવે અશોક ચૌધરીની પેનલનો સંપૂર્ણ અંકુશ રહેશે.

ખેરાલુ બેઠક પર ખુદ વિપુલ ચૌધરીની બે મતે હાર થઈ હતી. ચૂંટણીમાં વિજયને પગલે મહેસાણાના સાર્વજનિક સ્કૂલમાં અશોક ચૌધરી જુથે ઉજવણી કરી કોતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે પુરતી તકેદારી રાખી હતી.

ઉત્તેજનાસભર વાતાવરણ વચ્ચે મંગળવારે મહેસાણા શહેરમાં આવેલ વર્ધમાન વિદ્યાલયમાં દૂધસાગર ડેરીના નિયામક મંડળની ચૂંટણી માટેનું મતદાન શરૂ થયું હતું. બન્ને પ્રતિસ્પર્ધી પેનલોના સમર્થકો મતદાન કેન્દ્રની બહાર એકઠા થયા હતા. જ્યારે સવારથી જ મતદારોએ મતદાન કરવા લાંબી લાઈનો લગાવી દેતા શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું હતું. આ વખતે રસાકસી વચ્ચે રેકર્ડબ્રેક 99.11 ટકા મતદાન થયું હતું. મંગળવારે સાંજે અહીં જ ભારે ઉત્સુકતા વચ્ચે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી.

છેલ્લા 15 વર્ષથી વિપુલ ચૌધરી જુથનો ડેરી ઉપર કબજો હતો. પરંતુ 15 વર્ષના શાસનનો અંત થયો છે અને અશોક ચૌધરીની પરિવર્તન પેનલ વિજેતા બની છે. વિજાપુર સિવાયની તમામ બેઠકો અશોક ચૌધરી પેનલે જીતી લીધી હતી. જ્યારે કલોલ બેઠક પર ટાઈ થઈ હતી. જેમાં ચિઠ્ઠી ઉડાડતા પરિવર્તન પેનલની જીત થઈ હતી.

કોરોના મહામારીને કારણે ત્રણ મહિના સુધી વિલંબે પડેલી મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણી આખરે 5 જાન્યુઆરીના રોજ યોજાઈ હતી. કર્મચારીઓના બોનસ કેસમાં જેલવાસ ભોગવી રહેલા વિપુલ ચૌધરી જુથ અને ભાજપ સમર્થિત અશોક ચૌધરી જુથ વચ્ચે ચૂંટણી જંગ મંડાયો હતો. દૂધસાગર ડેરીની 15 બેઠકોની ચૂંટણી માટે પરિવર્તન પેનલના 15, વિકાસ પેનલના 15 અને 11 અપક્ષ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી.