લેસ્ટરમાં સર્જાયેલા મુસ્લિમ-હિંદુ કોમ વચ્ચેના તણાવ બાદ વેસ્ટ મિડલેન્ડ્સના સ્મેથવિકમાં દુર્ગા ભવન મંદિરની બહાર કરાયેલા દેખાવો અને ઉગ્ર વિરોધ બાદ 18 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી હતી. વિરોધ કરવા એકત્ર થયેલા લગભગ 100 લોકોએ પોલીસ તરફ ફટાકડા અને મિસાઈલ ફેંક્યા હતા જો કે કોઈ જાનહાનિ થઈ ન હતી.
મુસ્લિમ અને હિંદુ સમુદાયના ધાર્મિક નેતાઓએ કરેલી શાંતિની અપીલ બાદ મંદિરની સામે આ એકતરફી દેખાવો થયા હતા અને ઉગ્ર સુત્રોચ્ચારો કરાયા હતા. પોલીસે 18 વર્ષીય યુવકની છરી રાખવાની શંકાના આધારે ધરપકડ કરી હતી અને તેને પૂછપરછ માટે કસ્ટડીમાં રખાયો હતો. સાંજે લગભગ 7:30 વાગ્યા સુધીમાં, સ્પૉન લેન પરનું જૂથનો મોટો ભાગ વિખેરાઈ ગયો હતો.
ભારતમાં કન્યા કેળવણીનું કામ કરતી ચેરીટી સંસ્થા વાત્સલ્ય ગ્રામના લાભાર્થે યુકેની ચેરીટી સંસ્થા પરમ શક્તિ પીઠ દ્વારા પૂ. સાધ્વી ઋતંભરાજીના પ્રવચનોનું આયોજન યુકેના વિવિધ શહેરોમાં કરવામાં આવ્યું હતું. જેમાં તા. 20ના રોજ સ્મેથવિકના દુર્ગા ભવન મંદિર ખાતે કેટલાક મુસ્લિમ દેખાવકારો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. જો કે  દેખાવો પહેલાં જ સાધ્વિજીના પ્રવચનનો કાર્યક્રમ રદ કરાયો હતો.
પોલીસે જણાવ્યું હતું કે ‘’હિન્દુ કલ્ચર એન્ડ રીસોર્સ સેન્ટર ખાતે યોજાનાર પ્રવચન કાર્યક્રમ અંગે આયોજિત વિરોધથી વાકેફ હતા. પરંતુ આ કાર્યક્રમ પહેલાથી જ રદ કરવામાં આવ્યો હતો અને તે વક્તા પણ હવે યુકેમાં રહેતા નથી.’
વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે હિંસા ફાટી ન નીકળે તે માટે સવારથી જ સ્ટોપ એન્ડ સર્ચની સત્તા વાપરી હતી. પોલીસે સમગ્ર સમુદાયના ધાર્મિક નેતાઓ સાથે ચર્ચોઓ યોજી હતી. પોલીસે કેટલીક કારોને નુકશાન કરાયું હોવા અંગેના અહેવાલો મળતા તપાસ કરી હતી.”

LEAVE A REPLY

four × two =