istock

સૌરાષ્ટ્ર-કચ્છમાં એકબાજુ કાતિલ ઠંડીનો દૌર ચાલી રહ્યો છે તેવામાં ધરતીના પેટાળમાં પણ ફરી સખળડખળ ચાલુ રહેતા છેલ્લા 24 કલાકમાં જ ધરતીકંપનાં છ આંચકા નોંધાતા લોકોમાં ફફડાટ જોવા મળે છે તો જામનગર જિલ્લામાં આજે સતત ચોથા દિવસે ધરા ધ્રૂજતા લોકો ભય અનુભવી રહ્યાં છે.

ગયા અઠવાડિયાથી સૌરાષ્ટ્ર કચ્છમાં ચાલુ થયેલા ઠંડીના આક્રમણ સામે સોમવારથી જ ફરીને ધરતીના પેટાળમાં પણ ફેરફાર થવા લાગતા જામનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી બે મળી છ સહિત ચાર દિવસમાં ભૂકંપનાં સાત આંચકા નોંધાયા છે.

છેલ્લા 30 કલાકમાં જ સૌરાષ્ટ્ર કચ્છમાં મોરબી-પાલીતામા, કચ્છ અને જામનગર જિલ્લાની ધરતીના પેટાળમાં સખળડખળ થતાં ધરતી કંપના છ આંચકા નોંધાયા હતાં. જેમાં આજે વહેલી સવારે જ જામનગર જીલ્લાના દક્ષિણ પૂર્વ દિશામાં કેન્દ્રબિંદુ ધરાવતા અને ધરતીના પેટાળમાં સાડા ત્રણ કિ.મી.ના અંતરે કેન્દ્ર બિંદુ ધરાવતા માત્ર દોઢ કલાકના ગાળામાં 2.1 અને 2.8ની તીવ્રતાના બે આંચકા નોંધાતા લોકો ભયના માર્યા ફફડાટ અનુભવ્યો હતો.

આ સિવાય મોરબી નજીક 3.1ની ઊંડાઈ પર 2.2ની તીવ્રતાનો પાલીતાણા નજીક 3.7ની ઊંડાઈ પર 2.3ની તીવ્રતાનો, 21.5ની ઊંડાઈ ધપર કચ્છના દૂધઇ નજીક 2.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જોકે તીવ્રતા હળવી હોવાથી લોકોને કંપનનો અનુભવ ઓછો થયો છે.