Election Commission's tough stance against candidates with criminal record
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ગુજરાતમાં રવિવારે જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલિકાની થયેલી ચૂંટણીમાં એકંદરે શાતિપૂર્ણ માહોલમાં સરેરાશ 60 ટકા મતદાન થયું હતું. ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શહેરી કરતાં ગ્રામ્ય મતદાતાઓએ વધુ ઉત્સાહ દર્શાવ્યો હતો. રાજ્યની 231 તાલુકા પંચાયતમાં સરેરાશ 62.80 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે 31 જિલ્લા પંચાયતોમાં સરેરાશ 60.88 ટકા અને 81 નગરપાલિકાઓમાં સરેરાશ 53.24 ટકા મતદાન થયું હતું.

નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની કુલ 8,302 બેઠકો માટે 22,116 ઉમેદવારો મેદાનમાં હતા. 240 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. આ મતદાનની મતગણતરી 2જી માર્ચે યોજાશે.

રાજ્યમાં સૌથી વધુ મતદાન ડાંગમાં નોંધાયું છે. ડાંગમાં સરેરાશ 71 ટકા મતદાન થયું હતું. જોકે, આ મતદાનમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને મતદાન કરવા માટે વિરમગામ આઈટીઆઈ પહોંચ્યા હતા. જોકે, હાર્દિક પટેલે જ્યાં મતદાન કર્યું હતું ત્યાં કોંગ્રેસનો કોઈ ઉમેદવાર જ ન હતો. વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર-2મા ભાજપ-અપક્ષની પેનલ જ ચૂંટણી લડી હતી.

રાજ્યમાં કેટલાક સ્થળોએ વિવાદ નોંધાયો હતો. જેમાં ઝાલોદના ઘોડિયા પ્રાથમિક શાળામાં ઈવીએમ તોડવાનો મામલો સામે આવ્યો હતો. અહીં બે ઈવીએમ તોડવામાં આવ્યા હતા, તેથી સોમવારે આ બુથ પર ફરીથી મતદાન યોજાશે. આ ઉપરાંત ભાભરમાં મતદાન મથક પાસેથી ભાજપના ચૂંટણીપ્રતિક સાથે નકલી ઈવીએમ મળ્યું હતું.

વિરમગામ નગરપાલિકા ચૂંટણીના બુથ બહાર બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. શહેરના વોર્ડ-8ના એમ.જે હાઈસ્કૂલ બહાર ભાજપ અને અપક્ષ ઉમેદાવારોના ટોળા વચ્ચે મારામારી થઈ હતી જેના કારણે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. જ્યારે વેરાવળના નાવદ્રા ગામમાં વણકરવાસ વિસ્તારના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો.