પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીના સમર્થકે મમતાના ફોટા સાથેનું ફેસશીલ્ડ પહેરીને વિજયની ઉજવણી કરી હતી. (REUTERS/Rupak De Chowdhuri)

કોરોના મહામારી વચ્ચે યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના રવિવારે પરિણામ જાહેર થયા હતા. પશ્ચિમ બંગાળમાં ભાજપ સામે મમતા બેનર્જીના પક્ષ તૃણમુલ કોંગ્રેસનો શાનદાર વિજય થયો હતો અને 66 વર્ષીય મમતા ત્રીજા વખત રાજ્યના મુખ્યપ્રધાન બનશે. તમિલનાડુમાં સત્તાધારી AIADMKનો પરાજય થયો હતો અને વિરોધ પક્ષ ડીએમકેનો વિજય થયો હતો. આસામમાં ભાજપને ફરી સત્તા મળી હતી. કેરળમાં ડાબેરી પક્ષોનું ગઠબંધન સત્તા જાળવી રાખવામાં સફળ થયું હતો, જોકે પોંડિચેરીમાં કોંગ્રેસની હાર થઈ હતી અને ભાજપના ગઠબંધનનો વિજય થયો હતો.

કોરોના મહામારી વચ્ચે યોજાયેલી આ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ ફોકસ પશ્ચિમ બંગાળની ચૂંટણી હતી. પશ્ચિમ બંગાળની વિધાસનભાની કુલ 292 બેઠકમાંથી તૃણમુલ કોંગ્રેસનો 214 બેઠકો પર વિજય થયો હતો અને સરસાઈ ધરાવતી હતી જ્યારે ભાજપને 77 બેઠકો મળી હતી. વર્ષો સુધી બંગાળમાં સત્તા ભોગવનારા ડાબેરી પક્ષોનો સંપૂર્ણ સફાયો થયો હતો. કોંગ્રેસને પણ એકપણ બેઠક મળી ન હતી.

બંગાળની ચૂંટણીની ખાસ બાબત એ રહી હતી નંદીગ્રામ બેઠક પરથી મમતા બેનર્જીનો ભાજપના શુભેન્દુ અધિકારી સામે પરાજય થયો હતો. પશ્ચિમ બંગાળામાં વિજય મેળવવા માટે ભાજપે તમામ જોર લગાવ્યું હતું. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સહિતના ભાજપના ટોચના નેતાઓ સંખ્યાબંધ ચૂંટણીસભાઓ યોજી હતી. ભાજપનો પરાજય થયો હોવા છતાં તેને રાજયમાં મોટા લાભ થયો છે. 2016ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને માત્ર ત્રણ બેઠક મળી હતી, પરંતુ હવે 77 બેઠકો સાથે રાજ્યમાં મુખ્ય વિરોધપક્ષ બનશે.
તમિલનાડુ વિધાનસભાની કુલ 234 બેઠકમાંથી ડીએમકેનો 149 બેઠકો પર વિજય થયો હતો અથવા સરસાઈ મેળવી હતી, જ્યારે સત્તાધારી એઆઇડીએમકેનો 85 બેઠકો પર વિજય થયો હતો. ભાજપ આ રાજ્યમાં એઆઇડીએમકે સાથે ગઠબંધન કર્યું હતું.

આસામમાં વિધાનસભાની 126 બેઠકોમાંથી ભાજપના ગઠબંધનને 75 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસના ગઠબંધનને 49 બેઠકો મળી હતી. આસામમાં ભાજપને ફરી સત્તા મળી છે.

કેરળમાં વિધાનસભાની કુલ 140 બેઠકોમાંથી ડાબેરી પક્ષોના ગઠબંધન એલડીએફને 97 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસ ગઠબંધનને 43 બેઠક મળી હતી. પરંપરાથી વિરુદ્ધ ડાબેરી ગઠબંધન ફરી રાજ્યમાં સત્તા પર આવ્યું છે અને કોંગ્રેસને નિરાશા મળી છે. ત્રણ રાજ્ય બંગાળ, કેરળ અને આસામમાં પરિવર્તન જોવા મળ્યું નથી. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ, કેરળમાં LDF અને આસામમાં ભાજપ જ ફી સરકાર બનાવશે.