પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કર્ણાટકમાં ભાજપ યુવા પાંખના નેતાની હત્યાને પગલે પ્રચંડ જનાક્રોશ વચ્ચે રાજ્યના પ્રધાન ડો. સી એન અશ્વથ નારાયણને આવા ઘટનાના ગુનેગારોને એકાઉન્ટરમાં ઠાર કરવાની તરફેણ કરી હતી અને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આવા એન્કાઉન્ટર માટે સજ્જ છે. એક દિવસ પહેલા રાજ્યના મુખ્યપ્રધાન બસવરાજ બોમ્માઇએ રાજ્યમાં યોગી મોડલ પ્રશંસા કરી હતી.

ઉચ્ચ શિક્ષણ, સ્કીલ ડેવલપમેન્ટ, આઇટી- બીટી ખાતાના પ્રધાન નારાયણે જણાવ્યું હતું કે કોઇપણ તક આપ્યા વગર નિર્દયી પગલાં લેવાશે. અમે એન્કાઉન્ટરમાં ઠાર કરવા તૈયાર છીએ. અમે અમારા મુખ્યપ્રધાન બસવરાજ બોમ્માઇ અને રાજ્ય સરકારને માહિતી આપી દીધી છે.

દક્ષિણ કર્ણાટકમાં ભારતીય જનતા યુવા મોરચાના જિલ્લા સ્તરના હોદ્દેદાર પ્રવીન નેત્તારની હત્યા અંગેના પ્રશ્નોના જવાબમાં તેમણે આ આક્રમક નિવેદન આપ્યું હતું. પ્રવીણ નેત્તાર તેમની દુકાન બંધ કરીને ઘરે આવી રહ્યાં હતા ત્યારે મંગળવારે દક્ષિણ કન્નાડા જિલ્લાના બેલ્લારેમાં તેમની હત્યા કરાઈ હતી.

તેમણે જણાવ્યું હતું કે કેટલાંક ગુનેગારો અમારી ધીરજની કસોટી કરી રહ્યાં છે, તેથી અમારી સરકાર અને મુખ્યપ્રધાને એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે. આગામી દિવસો અમે એવી વ્યવસ્થા કરીશું કે ગુનેગારો આવી હત્યાઓ કરવાનું વિચારતા કે સપનું જોતા પણ ધ્રુજવા લાગશે. એકાઉન્ટર કરી નાંખવાનો સમય આવી ગયો છે. અમારી સરકાર આકરા પગલાં લેશે. અમે સ્પેશ્યલ સ્કોડ બનાવીને આવી પ્રવૃત્તિઓની કોઇ તક રાખીશું નહીં. અમે નિર્દોષ લોકોને બચાવવા માટે પગલાં લઈશું. ભાજપ હોદ્દેદારના પરિવારે વેઠવું પડ્યુ પડ્યું છે તેવું કોઇએ વેઠવું પડશે નહીં.

મોટરસાઇકલમાં આવેલા હુમલાખોરોએ નેત્તારની કરપીણ હત્યા કરી હતી અને તેનાથી જિલ્લામાં ભારે તંગદિલી ઉભી થઈ હતી. પોલીસે આ કેસમાં ત્રણ શકમંદની ધરપકડ કરી છે. તેમના બે શકમંદની ઓળખ મોહંમદ ઝાકીર અને શફિક તરીકે થઈ છે.

લોકોના પ્રચંડ વિરોધને પગલે રાજ્યના મુખ્યપ્રધાન બોમ્માઇએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આ કેસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ને સોંપવાનો નિર્ણય કર્યો છે. નેત્તારની હત્યાના બે દિવસ બાદ દક્ષિણ કન્નડા જિલ્લામાં મુસ્લિમ યુવક મોહંમદ ફઝિલની કરપીણ હત્યા થઈ હતી. આ અંગેની તપાસ ચાલુ છે.