યુરો કપમાં ઇંગ્લેન્ડ સામે ફાઇનલમાં ઇટલીનો વિજય થતાં ઇટલીના પ્રેક્ષકોએ ઉજવણી કરી હતી. DPA/PTI Photo

ફાઈનલનો ફેંસલો પેનાલ્ટી શૂટાઉટમાં કરવાનો આવતાં ઈટાલીના યુવા ગોલકીપરે ઈંગ્લેન્ડના એક ખેલાડીની કિક અટકાવી દેતાં યુરોકપ ફૂટબોલનો તાજ મેળવવાનું ઈંગ્લેન્ડનું સપનું રોળાઈ ગયું હતું અને ઈટાલી 53 વર્ષ પછી ફરી ચેમ્પિયન બન્યું હતું. ઈંગ્લેન્ડ પણ 55 વર્ષથી કોઈ મોટા આંતરરાષ્ટ્રીય ટાઈટલની રાહ જોઈ રહ્યું છે.

રવિવારે વેમ્બલી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં રાબેતા મુજબના સમયે બન્ને ટીમ 1-1થી બરાબરીમાં રહી હતી અને એકસ્ટ્રા ટાઈમમાં તેઓ એકપણ ગોલ કરી શકી નહોતી. એ પછી પેનાલ્ટી શૂટાઉટનો વારો આવ્યો હતો અને 22 વર્ષના ઈટાલીઅન ગોલકીપર જીઆનલુગી ડોનારમાએ એક કિકને ગોલમાં જતી અટકાવી દેતાં આખરે પ્રવાસી ટીમ 3-2થી વિજેતા બની ગઈ હતી.