Expulsion of Chinese company from Sizewell nuclear project
FILE PHOTO: Chris Radburn/Pool via REUTERS/File Photo
બ્રિટને મંગળવારે તેના નિર્માણાધિન ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ સાઇઝવેલ-સીમાંથી ચીનની ન્યુક્લિયર કંપની CGNની હકાલપટ્ટી કરી છે. હવે સરકાર આ પ્રોજેક્ટનું નિર્માણ ફ્રેન્ચ ભાગીદાર EDF સાથે પૂર્ણ કરાશે.
યુકે-ચીન વચ્ચેના સંબંધોનો “સુવર્ણ યુગ” સમાપ્ત થઈ ગયો છે તથા યુકેના હિતો અને મૂલ્યો માટે બેઇજિંગ “સિસ્ટેમેટિક પડકાર” હોવાના વડા પ્રધાન ઋષિ સુનકના આકરા નિવેદન પછી આ મોટી જાહેરાત કરવામાં આવી છે. ઋષિ સુનકની કન્ઝર્વેટિવ સરકાર આ પ્રોજેક્ટમાં CGNનો વિવાદાસ્પદ 20-ટકા હિસ્સો છીનવી રહી છે, કારણ કે સરકાર પોતે ફ્રેન્ચ ભાગીદાર ઇડીએફ સાથે સંયુક્ત સાહસની રચના કરશે. UK આ પ્રોજેક્ટમાં £700 મિલિયન ($843 મિલિયન)નું રોકાણ કરશે. આ પ્રોજેક્ટ્સમાં ફ્રાન્સની ભાગીદાર કંપની પણ આટલું રોકાણ કરવાની છે.
પૂર્વી ઈંગ્લેન્ડમાં સફોક દરિયાકિનારે  નિર્માણાધીન સાઈઝવેલ સી પ્રોજેક્ટથી છ મિલિયન ઘરોને સપ્લાય આપી શકાય તેટલી ઉર્જાનું ઉત્પાદન થશે. આ પ્રોજેક્ટમાં 2035થી વીજ ઉત્પાદન શરૂ થવાનો અંદાજ છે. રશિયાના યુક્રેન પર આક્રમણ પછી પરમાણુ અને રિન્યુએબલ એનર્જી  બ્રિટનની ઊર્જા સુરક્ષા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ, એનર્જી એન્ડ ઇન્ડસ્ટ્રિયલ સ્ટ્રેટેજી (BEIS)એ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સાઇઝવેલ-સીમાં યુકે સરકારનું રોકાણ પ્રોજેક્ટના સાતત્યપૂર્ણ વિકાસને સમર્થન આપશે.” આ રોકાણ ચીન જનરલ ન્યુક્લિયરને પ્રોજેક્ટમાંથી બહાર નીકળવાની પણ મંજૂરી આપે છે, જેમાં બાય-આઉટ ખર્ચ, કોઈપણ બાકી ટેક્સ અને કોમર્શિયલ એરેન્જમેન્ટનો સમાવેશ થાય છે.
યુકે કહે છે કે સાઈઝવેલ અશ્મિભૂત ઈંધણ કરતાં સ્વચ્છ ઊર્જાનું ઉત્પાદન કરશે તથા સ્થાનિક વિસ્તાર અને રાષ્ટ્રીય અર્થતંત્ર માટે હજારો નોકરીઓનું સર્જન કરશે. BEISએ ઉમેર્યું હતું કે, “સાઇઝવેલ સીમાં સરકારનો ઐતિહાસિક £700 મિલિયનનો હિસ્સો બ્રિટનની ઉર્જા સાર્વભૌમત્વ માટેની નવી બ્લુપ્રિન્ટનો મહત્ત્વનો હિસ્સો છે, કારણ કે નવા પ્લાન્ટને વિકસાવવાની યોજના આજે મંજૂર કરવામાં આવી છે.”

LEAVE A REPLY

16 − fifteen =