Rahul Gandhi's promises broken before Gujarat elections
રાહુલ ગાંધી અમદાવાદમાં સોમવારે પરિવર્તન સંકલ્પ સંમેલન માટે આવ્યા ત્યારે કોંગ્રેસના કાર્યકારોએ તેમનું સ્વાગત કર્યું હતું. (ANI Photo/ Congress Twitter)

ગુજરાતમાં આ વર્ષના અંત ભાગમાં વિધાનસભાની ચૂંટણી પહેલા સોમવારે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર પરિવર્તન સંકલ્પ સંમેલનને સંબોધન કરતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને ગુજરાતની જનતાને વચનોની લ્હાણી કરી હતી.

રાહુલ ગાંધીએ ત્રણ લાખ રૂપિયા સુધી ખેડૂતોની લોન માફી, રૂ.500માં LPG સિલિન્ડર. કોરોના મૃતકોને રૂ.4 લાખની સહાય, 300 યુનિટ વીજળી ફ્રી, 3000 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની શરૂઆત, કન્યાને મફતમાં શિક્ષણ, ખેડૂતોને મફતમાં વીજળી, દૂધ ઉત્પાદકોને રૂ.5ની સબસિડી સહિતના અનેક વચનો આપ્યા હતા. રિવરફ્રન્ટ પર રેલીને સંબોધન કરતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર સત્તા ઉપર આવશે તો ખેડૂતોને રૂપિયા ત્રણ લાખ સુધીની લોન માફ કરવામાં આવશે. રાંધણ ગેસના સિલિન્ડર જે અત્યારે રૂ.૧૦૦૦ના ભાવે મળે છે તે રૂ.૫૦૦ના ભાવે આપવામાં આવશે.

બેરોજગારીની સમસ્યા અંગે મોદી સરકાર પર પ્રહાર કરતાં રાહુલ ગાંધીએ જાહેરાત કરી હતી કે રાજયમાં કોંગ્રેસ સત્તા ઉપર આવશે તો ૧૦ લાખ નવી રોજગારીની તકનું નિર્માણ કરવામાં આવશે. રાજ્યમાં કન્યાને મફત શિક્ષણ અને ૩૦૦૦ અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરાશે.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ભાજપની સરકાર ઉદ્યોગપતિઓ માટે લોન માફ કરશે પણ ક્યારેય ખેડૂતોની લોન માફ કરી હોવાનું સાંભળ્યું છે ગુજરાતમાં જો અમે સત્તા ઉપર આવીશું તો ત્રણ લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાનું હું વચન આપું છું.

રાહુલ ગાંધી સભા સ્થળેથી સાબરમતી આશ્રમ ગયા હતા. તેઓ પ્રાર્થનાસભામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમનું સૂતરની આંટી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે ગાંધીજીની પ્રતિમાને નમન કર્યા હતા. તેમને ગાંધી આશ્રમની પ્રતિકૃતિ રૂપે ચરખો ભેટમાં અપાયો હતો. કોંગ્રેસના નેતા અને રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે કહ્યું હતું કે ગાંધી આશ્રમથી રાહુલ ગાંધીએ ભારત જોડો આંદોલનની શરૂઆત કરી છે અને હવે આખા ભારતમાં આ પ્રકારે ભારત જોડો કાર્યક્રમ કરશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી ત્યારે આમ આદમી પાર્ટી પછી કોંગ્રેસે પણ જનતાને પ્રલોભન આપી રહી છે.

LEAVE A REPLY

fifteen − 2 =