નેશનલ કોન્ફરન્સ પ્રમુખ ફારુખ અબ્દુલ્લા. (ANI Photo)

જમ્મુ અને કાશ્મીરમાં બિન સ્થાનિક લોકોને મતાધિકાર આપવાની હિલચાલ વચ્ચે નેશનલ કોન્ફરન્સ પ્રમુખ ફારુખ અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે બિનકાશ્મીરીઓને મતાધિકાર આપવાથી કાશ્મીરીઓની ઓળખ સામે જોખમ ઊભું થશે. તેમણે આ મુદ્દે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. અહીં ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાંથી કલમ 370ની નાબૂદ બાદ ચૂંટણી અંગેના કાયદા પણ સમગ્ર ભારતને લાગુ પડે છે તે કાયદા કાશ્મીરમાં લાગું પડશે. તેનાથી બિનસ્થાનિક લોકો પણ કાશ્મીરમાં મતદાર તરીકે નોંધણી કરાવી શકશે.

આ બેઠક બાદ ફારૂખ અબ્દુલ્લાએ કહ્યું હતું, આપણે સપ્ટેમ્બરમાં તમામ રાષ્ટ્રીય પક્ષના નેતાઓને જમ્મુ-કાશ્મીરમાં આમંત્રિત કરીશુ અને પોતાના મુદ્દાઓને તેમની સમક્ષ મૂકીશુ. બીજેપીએ આ બેઠકનો વિરોધ કર્યો છે. બિન કાશ્મીરીઓને મતદાનના અધિકાર આપવા ખોટુ છે. આનાથી કાશ્મીરીઓની ઓળખ પર સંકટ ઘેરાઈ જશે. બિન કાશ્મીરીઓને મતદાનના અધિકારનો નિર્ણય સ્વીકાર્ય નથી અને જો જરૂરી થયુ તો આપણે આ પગલાનો વિરોધ કરવા માટે કોર્ટના શરણે જઈશુ.

આ બેઠકમાં NC, કોંગ્રેસ, પીડીપી, અવામી નેશનલ કોન્ફરન્સ (ANC), શિવસેના, CPI(M), જેડીયૂ અને અકાલી દળ સામેલ થયા હતા. આમ આદમી પાર્ટી, જમ્મુ કાશ્મીર પોતાની પાર્ટી અને પીપુલ્સ કોન્ફરન્સે આ બેઠકથી દૂર રહ્યાં હતા.
જમ્મુ કાશ્મીરના ચૂંટણી પંચે બુધવારે કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરની ચૂંટણીમાં બિન પ્રવાસી લોકો પણ મતદાન કરી શકે છે અને આ માટે તેમણે સરનામાના પુરાવાની પણ જરૂર નથી. કેન્દ્ર શાસિત પ્રદેશમાં લગભગ 25 લાખ નવા વોટર્સ જોડી શકાય છે. જમ્મુ કાશ્મીરના રાજકીય દળ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે અને આને લોકતંત્ર વિરુદ્ધ ગણાવાયુ છે.