Fashion and social media connection

કલગી ઠાકર દલાલ

ફેશન એટલે તૈયાર થઈને નવા-નવા કપડાં અને એક્સેસરીઝ પહેરવા, તેના પૂરતો જ સીમિત રહેતો શબ્દ નથી. આપણા મન માં પહેલે થી બેસાડી દીધેલી કે બેસી ગયેલી માન્યતાઓ છે, જે માન્યતાઓને આધારે આપણે સામેવાળી વ્યક્તિનો ‘તાર’ કાઢી દઈએ છીએ. જેને અંગ્રેજી માં ‘જજમેન્ટલ’ કહેવાય. ફેશન ફિલ્ડ માં ઘણા નામી ડિઝાઇનર્સ થઇ ગયા, જેમણે ફેશન ને પોત-પોતાની અનોખી નજરથી જોઈ. જે રીતે જોઈ, એ રીતે ફેશનની ઓળખ આપી.
મ્યુચા પ્રાડા(Miuccia Prada) વર્લ્ડ ફેમસ ડિઝાઇનરે કહ્યું છે કે,

“What you wear is how you present yourself to the world especially today, when human contacts are so quick. Fashion is an instant language .”

“તમારા પોષાકથી તમે દુનિયા સામે પ્રસ્તુત થાવ છો, ખાસ કરીને આજના સમયમાં જયારે લોકો એકબીજાને સરળતાથી મળી શકે છે. ફેશન એક ત્વરિત ભાષા બની ગઈ છે.” બિલકુલ સાચી વાત છે. આજકાલની આ સચ્ચાઈ જેને અવગણી ન શકાય કે આજે આપણે બધા જ એક ‘ચશ્મા’ પહેરીયે છીએ, ન દેખાય તેવા ઇન્વિઝિબલ ચશ્મા. જેના દ્વારા આપણે બીજા લોકોને જોઈએ છીએ, જેમાં સૌથી મહત્વનું પાસું છે સામેવાળી વ્યક્તિએ પહેરેલા કપડાં. કોઈ માને ન માને આ વાત, પણ આપણે બધા કપડાં થી જ કોઈના વિષે ધારવાની શરૂઆત કરીયે છીએ.

અત્યારના સમયમાં ફેશન ખાલી ફેશન શો માં જ નહિ પરંતુ ઇન્સ્ટાગ્રામની રીલ અને ફેસબુક પર ફોટા મુકવા માટે પણ એટલી મહત્વની બની છે! વાત સાંભળતા અચરજ લાગે પણ આ વાત સાચી હકીકત છે. આજકાલ સ્ત્રીઓ ખાસ શોપિંગ કરે છે અને ખાસ જગ્યા પર જઈને ફોટો કે રીલ શૂટ કરવાનું નથી ભૂલતી. અરે ! આ રેસ માં તો આજે પુરુષો પણ એટલા જ ભાગે છે. આ પોસ્ટ અને રીલ ની મારફતે ઘણા લોકો જે – તે બ્રાન્ડ સાથે જોડાઈને એડવેટાઇઝમેન્ટ પણ કરે છે. સોશ્યિલ મીડિયા ખાલી દોસ્તો કે કુટુંબ પૂરતું સીમિત ન રહેતા લોક લાડીલું બની ગયું છે.

ફેશન વર્લ્ડ માં નવા નવા ટ્રેન્ડ લાવવાનો આ એક રસ્તો બની ગયો છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ફેશન ટ્રેન્ડના મેજર પોઈન્ટ્સ બની ગયા છે. પર્સનલ લેવલ પર જ નહીં, પરંતુ બ્રાન્ડ્સ પોતે પણ પોતાની જાહેરખબર અહીં આપવાનું પસંદ કરે છે. માત્ર ફેશન જ નહિ પરંતુ બાળકો, ઘર, ઓફિસ કે રસોડાને લગતી કોઈ પણ વસ્તુ ની લેટેસ્ટ ઇન્ફોરમેશન અહીંયા મળી રહે છે, જો પ્રોપર રીતે શોધતા આવડે તો. આજે લગભગ ૧૦ કરોડ જેટલી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર રોજ શેર થાય છે. તમે આ અંક પરથી વિચારી શકશો કે આપણા રોજિંદા જીવન પર સોશ્યિલ મીડિયા ની કેટલી અસર પડે છે. ઘણી ઇન્ટરનેશનલ કંપનીઓ પ્રોપર સ્ટડી કરીને કન્ઝ્યુમર ક્યાંથી, કેટલું અને શેનું શોપિંગ કરે છે તેનું પૂરું ધ્યાન રાખે છે. આ કારણોસર સ્માર્ટ શોપિંગ નો ટ્રેન્ડ ચાલુ થયો છે. કંપનીઓ સોશ્યિલ મીડિયા ઈનફ્લુએન્સર પાસે જાહેરખબરો કરાવે છે જેનો સીધો ફાયદો કંપનીઓને થાય છે, તો બીજી બાજુ લોકોને પણ નવી- નવી વસ્તુઓની લેટેસ્ટ માહિતી મળે છે. કહેવાય છે ને કે એક ક્લિક પર તમે ઘર થી માંડીને નેઇલ પોલિશ એમ બધું જ સરળતાથી અને પુરી માહિતી સાથે ખરીદી શકો છો.

સોશ્યિલ મીડિયા એ આજનું ટ્રેન્ડ ફોરકાસ્ટ બની ગયું છે. દુનિયા નાની થઇ ગઈ છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં બેસીને, કોઈ પણ વસ્તુની સારા માં સારી માહિતી મળી શકે છે. લોકો અને બ્રાન્ડ આમનેસામને આવે છે. આમ થવાથી ખરીદનારને બેસ્ટ વસ્તુઓ મળે છે અને ત્વરિત ખરીદી થાય છે. બીજીબાજુ સોશ્યિલ મીડિયા ઈનફ્લુએન્સર ઘરે બેઠા કમાણી કરી શકે છે. જે તે કંપની સાથે જોડાઈ ને, પેઈડ પાર્ટનરશીપ કરવાથી અને સારી સંખ્યામાં ફોલોઅર્સ હોવાથી તેમને ઘણો ફાયદો થાય છે. આ રીત થી કામ કરવાનો ઓપ્શન વિદેશમાં ઘણા વર્ષો થી ચાલે છે, પરંતુ ભારતમાં એ કોરોના થી લોકપ્રિય બન્યો છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જ નહિ, મીડિયા ઈનફ્લુએન્સર you tube પર પણ પેઈડ પાર્ટનરશીપ કરીને કમાણી કરે છે.

ટીક ટોક

લક્ઝરી બ્રાન્ડ્સ જેવી કે પ્રાડા (Prada), ગુચી, વોગ (Vouge, કોચ અને એમ.કે. જેવી બીજી અનેક કંપનીઓએ ટીક ટોકને યુવા દર્શકવર્ગ સાથે જોડાવાનું એક માધ્યમ બનાવ્યું છે. એક ઉદાહરણ તરીકે મિલાન ફેશનવિકમાં એક ખુબ ફેમસ ડિઝાઈનર બ્રાન્ડ પ્રાડાએ (Prada), ટીક-ટોક ઈનફ્લુએન્સર ‘ચાર્લી-ડી-એમિલિયો’ સાથે કોલબ્રેટ કર્યું અને તે વિડીયોને લગભગ ૩૬ કરોડ ૮૦ લાખ વ્યૂઝ મળ્યા હતા. એ જ વર્ષે ટીક-ટોકે પોતાનો ફેશન મંચ લોન્ચ કર્યો અને યુઝર્સને પોતાનું ફેશન કન્ટેન્ટ શેર કરવા માટે આમંત્રણ આપ્યું. આ જ ફેશનને લગતા સોશ્યિલ મીડિયામાં ‘હેશટેગ’ જેમકે, #tiktokfashionmonth, #ગેટથેલૂક અને #fashion101, એ ન્યુયોર્ક ફેશનવિકના સૌથી વધુ જોવાયેલા વીડિઓઝના હેશટેગ્સ હતા. જેમાં લગભગ ૨૯ લાખ યુઝર્સે ભાગ લીધો હતો.

પિન્ટરેસ્ટ (Pinterest)

Pinterest એ એક વિઝ્યુઅલ ડિસકવેરી એન્જિન છે. આ માધ્યમનો ઉપયોગ ફેશન યુઝર્સ અલગ-અલગ પીનબોર્ડસ ક્રિએટ અને શેર કરવા માટે કરે છે. અમેરિકન યુનિવર્સિટીના ફેશન સ્ટુડેંટ્સ માટે આ Pinterest ને અભ્યાસક્રમના ભાગ રૂપે વણી લેવામાં આવ્યું છે. આવું કરવા પાછળનો આશય ફેશન બ્રાન્ડ્સ અને ફેશન ટ્રેન્ડ્સના ડિસાઇનર્સને સીધો કન્ઝ્યુમર સાથે કન્નેક્ટ તથા વાતસંવાદ માટેનો છે. સોશ્યિલ મીડિયાના યુઝર્સથી ફેશન સ્ટુડેંટ્સને લેટેસ્ટ ટ્રેન્ડ વિષે અપડેટેડ રાખી શકાય તેમજ સ્ટુડેંટ્સ દુનિયાભરના ફેશન યુઝર્સની જરૂરિયાતોનો પણ અભ્યાસ કરી શકે છે.
ફેશનની ફિલ્ડ એટલી તે વર્સેટાઈલ બની છે કે લોકો ફેશનની કોઈ પણ વસ્તુમાં કોઈ પણ રીતે આગળ આવી શકે છે. પહેલા ટીવી કે ફિલ્મોમાં આવતી કોઈ પણ વસ્તુ ફેશન ટ્રેન્ડ નક્કી કરતી હતી પરંતુ એ બધું જ અત્યારે ખૂબ જ ઝડપે બદલાઈ રહ્યું છે. તો બીજી બાજુ ફેશન ડિઝાઈનર્સએ ફેશન ટ્રેન્ડ ને હાથમાં લેવા અલગ-અલગ રીતના ફેશન શો કરવાના ચાલુ કર્યા છે. પરંતુ એ વાત ને અવગણી ના શકાય કે ફેશન ફિલ્ડ ને હવે માત્ર ફેશન ડિઝાઇનર્સ જ ડિકટેટ કરી રહ્યા છે તેમ નથી. તો બીજી તરફ ફેશન કંપનીઓ આ ઝડપી બદલાવ માં ટકી રહેવા માટે જુદા-જુદા પેતરાં અજમાવી રહી છે.

ફેશનની દુનિયા ખુબ જ રંગ-બેરંગી છે અને આ રંગોમાં સોશ્યિલમીડિયાનો રંગ ભળવાથી એક અનોખો રંગ જોવા મળ્યો છે. જે રંગમાં અત્યારે આખી દુનિયા રંગાઈ ગઈ છે. અત્યારનો આ જ સૌથી મોટો અને અસરકારક રસ્તો બની રહ્યો છે. તો જયારે પણ ફેશનની વાત થાય ત્યારે સોશ્યિલમીડિયા ને કેમ ભુલાય, ખરુંને?

LEAVE A REPLY

13 − 8 =