અમેરિકાના પૂર્વ ભાગમાં અચાનક ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઇ હતી અને તેમાં કેન્ટુકીના એપલાચિયનમાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે. જ્યારે ફસાયેલા અન્ય લોકોને બહાર કાઢવા માટે બોટની મદદ લેવામાં આવી હતી. કહેવાય છે કે, જેમ-જેમ બચાવ અને રાહતકાર્ય આ પૂરગ્રસ્ત વિસ્તારમાં આગળ વધશે તેમ મૃત્યુઆંક વધવાની શક્યાતા છે.
કેન્ટુકીના ગવર્નરે જણાવ્યું હતું કે, એપલાચિયનમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હોવાથી પૂરના તમામ પીડિતોને શોધવામાં ઘણા દિવસો લાગી શકે છે. આ ઉપરાંત વધુ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. રેસ્ક્યુ ટીમને અનેક જગ્યાએ બચાવ કામગીરીમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યા હતો.
પૂર્વીય કેન્ટુકીના કેટલાક વિસ્તારોમાં 48 કલાકમાં 20થી 27 સેન્ટિમીટર વરસાદ થયા બાદ શુક્રવારે વહેલી સવારે વરસાદ થયો હતો. રાજ્યના ગવર્નર એન્ડી બેશિયરે કહ્યું હતું કે, આ આકસ્મિક પૂરમાં અનેક લોકોના મોત થયા છે. મૃત્યુઆંક ઝડપથી વધી શકે છે. કેટલાક અસરગ્રસ્ત વિસ્તારોમાં કેટલા લોકો હાજર હતા તે જાણવું મુશ્કેલ છે. બચાવ ટીમે ગુમ થયેલા લોકોને શોધવા માટે હેલિકોપ્ટર અને બોટનો ઉપયોગ કર્યો હતો. મૃતકોમાં નોટ કાઉન્ટીમાં એક જ પરિવારના 4 બાળકોનો સમાવેશ થાય છે.