Floods in California, Tornadoes wreak havoc in Alabama
(Photo by JOSH EDELSON/AFP via Getty Images)

અમેરિકામાં કેલિફોર્નિયા તોફાની વાવાઝોડા અને વરસાદની જાણે એક હારમાળામાં સપડાયું છે. છેલ્લા ત્રણ અઠવાડિયાથી આ વાવાઝોડા અને પૂર પ્રકોપના કારણે અત્યાર સુધીમાં 19 લોકોના મૃત્યુ થયા છે. આવી ગંભીર પરિસ્થિતિના કારણે પ્રેસિડેન્ટ જો બાઇડેને રવિવારે (14 જાન્યુઆરી) ત્યાં ઇમરજન્સી જાહેર કરી છે. વેધર સર્વિસે છ ફૂટ સુધી બરફ પડવાની ચેતવણી આપી હતી. આ ઉપરાંત સાન ફ્રાન્સિસ્કો બેની દક્ષિણે મુખ્ય કૃષિ વિસ્તારની નીચલી સેલિનાસ નદીમાં “વિનાશક પૂર”ની આગાહી પણ કરવામાં આવી હતી.

વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, શનિવારે પ્રેસિડેન્ટ બાઇડેને “જાહેરાત કરી છે કે, કેલિફોર્નિયા રાજ્યમાં એક મોટી આપત્તિ હોવાથી અને શિયાળાની તીવ્ર ઠંડી, પૂર, ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોમાં મદદ પહોંચાડવાનો આદેશ આપ્યો હતો. આ જાહેરાતથી અસરગ્રસ્ત લોકોને હંગામી ઘર, સમારકામ સહિત રાહત માટે ભંડોળ ફાળવવામાં સરળતા રહેશે.

આ વિનાશક ઘટનાક્રમમાં લોકોના ડૂબી ગયેલી કારમાં, માથે વૃક્ષો પડવાથી અને પથ્થર પડવાના કારણે મોત થયા છે.
સાન લુઈસ ઓબિસ્પો કાઉન્ટી શેરિફની ઓફિસે શનિવારે જણાવ્યું હતું કે, પૂરનું પાણી વધવાથી અને પરિસ્થિતિ ગંભીર બનવાના કારણે તણાઈ ગયેલા પાંચ વર્ષના કાયલ ડોઆનની શોધખોળ અટકાવવામાં આવી હતી. તેની માતાએ તેને તેમની કારમાંથી સલામત રીતે બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તે તણાઈ ગયો હતો.
AFPના પત્રકારે જોયું હતું કે, સેલિનાસ નદી અનેક સ્થળોએ તેના કાંઠાથી ઉપર વહેતી હતી અને નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા.

ગવર્નર ગેવિન ન્યૂસોમે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધા પછી કેલિફોર્નિયાના લોકોને ચેતવણી આપી હતી કે, “તેઓ હજુ સુધી સ્થિતિ સ્પષ્ટ કરી શકે તેમ નથી, અમે કામ પૂર્ણ કર્યું નથી.” વેધર સર્વિસના જણાવ્યા અનુસાર લગભગ 26 મિલિયન કેલિફોર્નિયાવાસીઓ શનિવારે સાંજે પૂરમાં સપડાયેલા હતા, જ્યારે હજારો લોકોને સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, તાજેતરના અઠવાડિયામાં શરૂઆતમાં વાવાઝોડાનું સ્વાગત કરાયું હતું, કારણ કે તે વર્ષોના દુષ્કાળ પછી આવ્યું હતું, પરંતુ તે અત્યાર સુધીમાં સૌથી “વિનાશક” જણાયું છે. પાવરઆઉટેજ ડોટ યુએસના જણાવ્યા પ્રમાણે, રવિવારે સવારે અંદાજે આઠ કલાકે કેલિફોર્નિયામાં 16,000થી વધુ ઘરોમાં વીજળી નહોતી.

સેલિનાસ પાસે કામ કરતા 58 વર્ષના ખેત મજૂર મેન્યુએલ પેરિસે મીડિયાને જણાવ્યું હતું કે, “છેલ્લા ઘણા વર્ષોથી અહીં દુષ્કાળ હતો, અમે અહીં આટલો વરસાદ ક્યારેય જોયો નથી.”

સૌથી વધુ વસ્તી ધરાવતું આ અમેરિકન રાજ્ય છેલ્લા ત્રણ અઠવાડિયામાં અસાધારણ ધોધમાર વરસાદથી પૂરગ્રસ્ત થયું છે. સરેરાશ નવ ઇંચ વરસાદ પડવાથીમાં સેલિનાસ વેલીને સૌથી વધુ અસર થઇ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુજબ, કેલિફોર્નિયામાં છેલ્લા બે અઠવાડિયામાં આઠ નદીઓમાં વાતાવરણીય પરિસ્થિતિ બદલવાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. આ સ્થિતિ ક્યાંક વરસાદ લાવવા માટે જવાબદાર છે તો ક્યાંક બરફના તોફાન માટે જવાબદાર થઇ શકે છે.
આ પૂરના કારણે કેલિફોર્નિયામાં ઘણા હાઇવે, રસ્તા અને પુલ નાશ પામ્યા છે. ઘણા મકાનો પણ ધરાશયી થયા છે. કેલિફોર્નિયામાં ભારે વરસાદ, તોફાન અને પૂરના કારણે અત્યાર સુધીમાં રૂ. 2 લાખ કરોડની કિંમતના નુકસાનની આશંકા છે. કેલિફોર્નિયામાં આ વિનાશક વાવાઝોડાના કારણે ઘણા બિઝનેસ ઠપ થઈ ગયા છે.

આ ઉપરાંત વિનાશક વંટોળિયાઓ (ટોર્નાડોઝ) થી સાઉથ ઇસ્ટ વિસ્તારમાં નવ લોકોના મૃત્યુ થયા છે અને હજ્જારો લોકો બેઘર થયા છે અને ત્યાં ખૂબ જ મોટી સંખ્યામાં વીજળી પુરવઠો ખોરવાઈ જવાથી અસરગ્રસ્ત રહ્યા હતા. સૌથી અસરગ્રસ્ત સેન્ટ્રલ અલાબામા વિસ્તારમાં મૃત્યુઆંક વધવાની સંભાવના છે. નેશનલ વેધર સર્વિસના હવામાનશાસ્ત્રી જેસિકા લોના જણાવ્યા મુજબ, ગત ગુરુવારે મિસ્સિસિપીથી જ્યોર્જિયા સુધી ભારે વંટોળિયો ફુંકાયો હતો. સેન્ટ્રલ અલાબામાં ઓછામાં ઓછા પાંચ ચક્રાવાત ત્રાટક્યા હતા. એક વાવાઝોડું સાઉથવેસ્ટ સેલમા, અલાબામાથી જ્યોર્જિયા-અલાબામા સુધી 150 માઇલની ઝડપે ફુંકાયું હતું. અલાબામાના ગવર્નર કે ઇવીએ ગુરુવારે ઓટાગો, ચેમ્બર્સ, કૂસા, ડલ્લાસ, એલમોર અને ટલ્લાપૂસામાં ઇમરજન્સી જાહેર કરી હતી.

ઇમરજન્સી મેનેજમેન્ટ ડાયરેક્ટર અર્ની બાગ્ગેટે જણાવ્યું હતું કે, સાત લોકોના મોત નોંધાયા છે તે ઓટાગો કાઉન્ટીમાં રેસ્ક્યુ ટીમે ગૂમ થયેલા લોકોની શોધખોળ શરૂ કરી હતી. ત્યાં ઓછી જાનહાનિ માટે તેમણે સ્કૂલોને શ્રેય આપ્યો હતો, કારણ કે, તેમણે આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને વહેલા ન છોડી તેમનો જીવ બચાવ્યો હતો.

જ્યોર્જિયાના ગવર્નર બ્રાયન કેમ્પે જણાવ્યું હતું કે, ગુરુવારે વાવાઝોડામાં બે લોકોના મોત થયા હતા. બુટ્ટસ કાઉન્ટિ કોરોનાર લેસી પ્રુએ જણાવ્યું હતું કે, ઘરે જતી એક કાર ઉપર વૃક્ષ પડવાના કારણે પાંચ વર્ષના બાળકનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય વ્યક્તિની હાલત ગંભીર છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચાર ચક્રાવાત જ્યોર્જિયામાં ત્રાટક્યા હતા અને તેમાંથી આટલાંટાની દક્ષિણ-પૂર્વએ મોટું નુકસાન થયું હતું.

LEAVE A REPLY

4 × 1 =