(Photo by Justin Sullivan/Getty Images)

યુકેના સુપરમાર્કેટ્સમાં હાલમાં વ્યાપેલી ખોરાકની તંગી કાયમી રહેશે અને બ્રિટિશ સુપરમાર્કેટ્સમાં ચીજવસ્તુઓની પૂરતી પસંદગી અને વિવિધતા મળી રહે તેવા દિવસો પૂરા થઈ ગયા છે એવા ફૂડ એન્ડ ડ્રિંક ફેડરેશનના વડા ઇયાન રાઈટના નિવેદનનો શુક્રવાર તા. 10ના રોજ ડાઉનિંગ સ્ટ્રીટે સખત વિરોધ કર્યો હતો.

વડા પ્રધાન બોરિસ જૉન્સનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “આપણી પાસે અત્યંત સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇન છે જે પડકારોનો ખૂબ જ સારી રીતે સામનો કરે છે અને અમે માનીએ છીએ કે તે પૂરવઠો ચાલુ રહેશે. આ સેક્ટર જે કેટલીક સમસ્યાઓનો સામનો કરે છે તેનાથી સરકાર  વાકેફ છે પરંતુ સરકાર માને છે કે ક્રિસમસ સુધીમાં પુરવઠો સામાન્ય થઈ જશે.”

કોવિડ-19 રોગચાળા અને બ્રેક્ઝિટ પછીના ઇમિગ્રેશન નિયમોના કારણે સમગ્ર ઉદ્યોગના પુરવઠામાં થયેલા વિક્ષેપ અને મજૂરોની અછત સર્જાઇ હોવાના કારણે દુકાનદારો જે તે પ્રોડક્ટ્સના સામાન્ય કરતાં ઓછા વિકલ્પોનો સામનો કરી રહ્યા છે.

આ અગાઉ રાઈટે દાવો કર્યો હતો કે ખાદ્ય પુરવઠાની ચેઇનને અસર કરતી ભારે ટ્રકના ડ્રાઈવરોની અછતને કારણે બજારમાં મળતા ખાદ્ય ઉત્પાદનોની અછત વધુ ખરાબ થશે અને તેનો હલ ટૂંક સમયમાં આવશે નહિં.

ઇન્સ્ટિટ્યુટ ઓફ ગવર્નમેન્ટ ઇવેન્ટમાં બોલતા, રાઈટે કહ્યું હતું કે ‘’પહેલા જ્યારે રસોડામાં જોઇએ ત્યારે વસ્તુ મળી જતી હતી તેવું હવે બનશે નહિં. અને મને નથી લાગતું કે તે ફરીથી કામ કરશે. મને લાગે છે કે આપણે હવે કાયમી અછત જોઇશું. હાલત વધુ ખરાબ થશે અને તે જલ્દીથી સુધરશે નહિં. ફૂડ એન્ડ ડ્રિંક્સ ઇન્ડસ્ટ્રીમાં આશરે અડધો મિલિયન કામદારોની અછત છે. ઇન્ડસ્ટ્રીના કુલ કર્મચારીઓમાં આઠમાંથી લગભગ એક કર્મચારીની અછત છે. લૉરી ડ્રાઇવર્સ વધુ સારા પગાર અને સારા કલાક માટે ઓનલાઇન રિટેઇલરો એમેઝોન અને ટેસ્કો તરફ જતાં ડ્રાઇવર્સની અછત ઉભી થઇ છે.’’

બ્રેક્ઝિટ પછીના ઇમિગ્રેશન નિયમોને ઢીલા કરવા માટે ઉદ્યોગો દ્વારા કરાયેલા કોલ્સને સરકારે ઠુકરાવી દીધા બાદ આ તકલીફ ઉભી થઈ હતી. સરકારે બિઝનેસીસને વિદેશી કામદારોને બદલે સ્થાનિક કર્મચારીઓ પર આધાર રાખવો જોઈએ.

મોટા રિટેઇલર્સ મેકડોનાલ્ડ્સ, ગ્રેગ્સ, ધ કો-ઑપ અને આઇકીયાએ તાજેતરમાં તેમના ગ્રાહકોને ઉત્પાદનોના સપ્લાયમાં તકલીફ હોવાની જાણ કરી હતી.

સીબીઆઈ બિઝનેસ ગ્રુપે ચેતવણી આપી હતી કે સુપરમાર્કેટની શેલ્ફ્સ અને રેસ્ટોરન્ટ્સના મેનુના તફાવત પાછળ લેબરની અછત તાત્કાલિક સરકારી કાર્યવાહી વિના બે વર્ષ સુધી ટકી શકે છે.