(istockphoto.com)

યુરોપમાં કોરોનાના પ્રકોપમાં ફરી વધારાને પગલે ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોન અને જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલે બુધવારે બીજા લોકડાઉનની જાહેરાત કરી હતી. ફ્રાન્સમાં લોકડાઉનના નવા પગલાંનો અમલ શુક્રવારથી થશે, જ્યારે જર્મનીમાં 3 નવેમ્બરથી કોરોના નિયંત્રણો અમલી બનશે.

ટીવી સંબોધનમાં મેક્રોનને જણાવ્યું હતું કે વાઇરસનો સૌથી ખરાબ ધારણા કરતાં વધુ ઝડપથી ફેલાવો થઈ રહ્યો છે. આપણા તમામ પડોશી દેશોની જેમ આપણા દેશોમાં પણ એકાએક વાઇરસ ફેલાઈ રહ્યો છે. આપણે જાણીએ છીએ કે કોરોનાનો સેકન્ડ વેવ પ્રથમ કરતાં વધુ ઘાતક બનશે. મે નિર્ણય કર્યો છે કે આપણે વાઇરસને અટકાવનારા લોકડાઉન તરફ પાછા જવાની જરૂર છે.

ફ્રાન્સમાં નવા લોકડાઉનના પગલાંનો પ્રારંભ શુક્રવારથી થશે. લોકોએ આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી, મેડિકલ સારવાર સિવાય ઘરમાં રહેવાનું રહેશે. લોકો દિવસમાં એક કલાક માટે કસરત માટે બહાર આવી શકશે. જો વર્ક ફ્રોમ હોમ શક્ય ન હોય તેવા વ્યક્તિઓને જ ઘરની બહાર નોકરી પર જવાની છૂટ મળશે. સ્કૂલો ખુલ્લી રહેશે.

ફ્રાન્સમાં ઘરની બહાર જતાં લોકોએ બહાર જવાના કારણો વાજબી ઠેરવી શકે તેવા પોતાની સાથે દસ્તાવેજ રાખવા પડશે. પોલીસ આ દસ્તાવેજની ચકાસણી કરી શકશે.

જર્મનીમાં લોકડાઉનના નવા પગલાં મુજબ બાર, રેસ્ટાંરો અને થીયેટર બે નવેમ્બરથી બંધ થશે. સ્કૂલો ખુલ્લી રહેશે. આકરાં નિયંત્રણો સાથે શોપ્સ ખુલ્લી રહેશે, પરંતુ નિયમોનું પાલન કરવું પડશે.

જર્મનીના ચાન્સેલર મર્કેલે જણાવ્યું હતું કે આપણે હાલમાં પગલાં લેવાની જરૂર છે. આપણી હેલ્થ સિસ્ટમ આજે આ પડકારોનો સામનો કરી શકે છે, પરંતુ કોરોના વાઇરસના ફેલાવાથી થોડા સપ્તાહમાં આપણી સિસ્ટમની મર્યાદા આવી જશે.

ફ્રાન્સમાં હાલ દૈનિક 36,000 નવા કેસો નોંધાય છે. આ વર્ષના પ્રારંભમાં પડોશી દેશો કરતાં જર્મનીમાં કોરોનાનો ફેલાવો ઓછો હતો, પરંતુ હવે નવા કેસોનો વિસ્ફોટ થયો છે. આર્થિક અસરને સરભર કરવા માટે જર્મનીએ 12 બિલિયન ડોલરનું ભંડોળ અલગ રાખ્યું છે. ઇટલીએ આશરે પાંચ બિલિયન યુરોની વ્યવસ્થા કરી છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મંગળવાર સુધીના ડેટા અનુસાર યુરોપમાં છેલ્લાં સાત દિવસમાં 1.3 મિલિયન નવા કેસ નોંધાયા છે અને 11,700 લોકોના મોત થયા છે, જે અગાઉના સપ્તાહ કરતાં 37 ટકાનો ઉછાળો દર્શાવે છે.