અમેરિકામાં ભારતીય મૂળના ટેકનોલોજી ક્ષેત્રના એક ઉદ્યોગસાહસિકની કથિત નાણાકીય ઉચાપત કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. 50 વર્ષીય આ શખ્સ પર રોકાણ યોજનામાં દસ હજારથી વધુ લોકો સાથે 45 મિલિયન ડોલરથી વધુ રકમની ઉચાપત કરવાનો આરોપ છે. તેણે આ સ્કીમમાંથી અનેક વૈભવી કાર અને પ્રોપર્ટી ખરીદી હોવાનું કહેવાય છે. લોસ એન્જલસમાં ડીપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે જણાવ્યું હતું કે, નેવાડામાં લાસ વેગાસના રહેવાસી નીલ ચંદ્રનને તાજેતરમાં ધરપકડ કરવામાં આવી છે. તેણે પોતાની ઘણી ટેકનોલોજી કંપનીઓનો ઉપયોગ રોકાણકારોના નાણાની ઉચાપત કરવા માટે કર્યો હતો. તેણે ‘ViRSE’ બેનર અંતર્ગત કાર્યરત પોતાની કંપનીઓમાં રોકાણકારોને વધુ નફો આપવાનું ખોટું વચન આપ્યું હતું, જેને કેટલાક સમૃદ્ધ ખરીદદારોના સમૂહ તરફથી હસ્તગત કરવાનું હતું. નીલચંદ્રનની કંપનીઓમાં Free Vi Lab, Studio Vi Inc., ViDelivery Inc, ViMarket Inc, અને Skalex USA Inc જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. તેમાં વર્ચ્યુઅલ જગતની ટેકનીક્સ વિકસાવવામાં આવતી હતી, જેમાં તેની પોતાની ક્રિપ્ટોકરંસી પણ સામેલ હતી. ચંદ્રન પર વાયર ફ્રોડના ત્રણ આરોપ અને ગુનાઇત રીતે પ્રાપ્ત કરેલી પ્રોપર્ટીની નાણાકીય લેવડ-દેવડનો આરોપ છે. જો તે આ ગુનામાં દદોષિત ઠરશે તો તેને 20 વર્ષની જેલ સજા અને નાણાકીય લેવડ-દેવડના દરેક કેસમાં 10 વર્ષની જેલ સજા થઇ શકે છે. ચાર્જશીટમાં જણાવ્યા પ્રમાણે વિવિધ 100 સંપત્તિમાં- બેંક એકાઉન્ટ, રીયલ એસ્ટેટ પ્રોપર્ટી, 39 ટેસ્લા કાર સહિત મોંઘી કારોનું જપ્ત કરવામાં આવે, જે ઉચાપત કરીને ખરીદવામાં આવી છે.