જર્મનીમાં જી-સેવન દેશોની શિખર બેઠક દરમિયાન 26 જૂને ઇટલીના વડાપ્રધાન મારિયો ડ્રાગી, યુરોપિયન કમિશનના પ્રેસિડન્ટ વોન ડેર લિયેન, યુએસ પ્રેસિડન્ટ જો બાઇડન, જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ, બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો, જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિડા, ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોન અને યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડન્ટ ચાર્લ્સ મિશલે એકસાથે તસવીર પડાવી હતી. Stefan Rousseau/Pool via REUTERS

જર્મનીના બાવેરિયન આલ્પ્સ ખાતે રવિવાર, 26 જૂને G-7 દેશોની શિખર બેઠકનો પ્રારંભ થયો હતો. વિશ્વના આ ધનિક દેશોએ ચીનના મહત્ત્વકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટની સામે 2027 સુધીમાં વૈશ્વિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાર્ટનરશિપ માટે 600 બિલિયન ડોલર ઊભા કરવાની પહેલ કરી છે. રશિયા-યુક્રેન યુદ્ધની પડનારી આર્થિક અસરો અને રશિયાને કઈ રીતે પાઠ ભણાવવો તેની રણનીતિ નક્કી કરવા આ દેશો મંથન કરશે. બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોન્સને નેતાઓને ચેતવ્યા હતા કે થાકવાનું નથી.

અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઈડેન જી-7ના આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનને ખુલ્લો મૂકશે. જી-7ના કેટલાક દેશો તેમના પોતાના અલગ પ્લાન મૂકશે. ચીનથી ચિંતિત આ દેશોએ સૌપ્રથમ ગયા વર્ષે આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી અને હવે તેને નવા શીર્ષક ‘પાર્ટનરશિપ ફોર ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઈન્વેસ્ટમેન્ટ’ હેઠળ લોન્ચ કરી રહ્યા છે. અગાઉ તેને “બિલ્ડ બેક બેટર વર્લ્ડ” નામ આપવામાં આવ્યું હતું.

અમેરિકા માને છે ચીનની ઈન્ફ્રાસ્ટ્રક્ચર પહેલ વિવિધ દેશોને દેવામાં ડૂબાડવા માટે છે અને તેનો સૌથી વધુ ફાયદો ચીનને જ થવાનો છે.  યોગાનુયોગ સમિટ શરૂ થઈ ત્યારે જ રશિયે યુક્રેનની રાજધાની કીવ પર મિસાઈલ હુમલો કર્યો હતો. બાઈડેને પ્રી-સમિટ મીટિંગ દરમિયાન કહ્યું હતું કે “આપણે બધાએ સંગઠિત થવું પડશે કારણ કે પુટિન શરૂઆતથી જ મોકો શોધી રહ્યા છે કે નાટો અને જી-7 દેશોમાં ભાગલા પડશે. પરંતુ આપણે એવું નહીં થવા દઈએ.”

જી-સેવન દેશોની બેઠકના આરંભિક સત્રમાં સભ્ય દેશોએ પુટિન સામે વિવિધ પ્રકારે પ્રહાર કર્યા હતા. બોરીસ જોન્સને કહ્યું હતું કે “શું આપણે હવે જેકેટ પહેરવા જોઈએ કે કેમ. આપણે બતાવવું પડશે કે આપણે પુટિન કરતાં વધુ આકરા છીએ.” કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પુટિન પર કટાક્ષ કરતા કહ્યું હતું કે “ખુલ્લા શરીરે હોર્સબેક રાઈડ” રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુટિનના શર્ટ વગરના અનેક ફોટો પ્રસિદ્ધ થયા છે જે સંદર્ભમાં ટ્રુડોએ આ કટાક્ષ કર્યો હતો.