પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ગાંધીનગર સર્વ શિક્ષા અભિયાનની કચેરીમાં રૂ. 1.21 લાખની લાંચ લેતા સ્ટેટ પ્રોજેક્ટ એન્જિનિયર નિપુણ ચોક્સીની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. તેમના બે દિવસના રિમાન્ડ દરમિયાન ગાંધીનગરની વિવિધ બેંકોમાં તેમના લોકર્સમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં સોના-ચાંદીના દાગીના મળીને કુલ રૂ.2.37 લાખથી વધુની બેનામી સંપત્તિ મળી આવી હતી. જેમાં રૂ.2.27 કરોડની રોકડ અને રૂ.10 લાખના દાગીનાનો સમાવેશ થાય છે.

સાહિત્યમાં રસ ધરાવતા સ્ટેટ ઈજનેરના નિપુણ ચોક્સીના ઘરમાંથી તપાસ દરમિયાન 4.12 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. ત્યારબાદ તેમના રિમાન્ડ દરમિયન જૂના સચિવાલય નાગરિક બેંકમાં આવેલા તેમના લોકરમાંથી વધુ રૂ. 74.50 લાખ રોકડા મળી આવ્યા હતા. એ જ રીતે સેક્ટર-6માં આવેલી કો-ઓપરેટિવ બેન્ક ઘ-2 શાખા તેમજ અન્ય બે લોકરોમાં પણ સર્ચ કરવામાં આવતા રૂ. 1,52,75,000ની સંપત્તિ મળી આવી છે. જ્યારે ગાંધીનગરની કેનેરા બેંકના લોકરમાંથી રૂ. 10 લાખની કિંમતના સોનાના દાગીના મળી આવ્યા હતા.