પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

રાજ્યમાં ગણેશ ઉત્સવ નજીક આવી રહ્યો છે ત્યારે વડોદરા પોલીસે કોરોના નિયમોનું પાલન થાય તે માટે ગણેશ પંડાલ પર ડ્રોન કેમેરાથી નજર રાખવાનો નિર્ણય કર્યો છે. પોલીસ છેલ્લા કેટલાક વર્ષોથી ગણેશ વિસર્જનના દિવસે ડ્રોનનો ઉપયોગ કરી રહી છે, પરંતુ આ પહેલીવાર હશે જ્યારે ઉત્સવના તમામ 10 દિવસ માટે તે કાર્યરત રહેશે.

વડોદરાના પોલીસ કમિશનર શમશેર સિંહે જણાવ્યું હતું કે અમે મર્યાદિત સંખ્યામાં ગણેશ પંડાલને મંજૂરી આપી છે અને આયોજકોને પણ કોવિડ-19ના નિયમોનું પાલન કરવા માટે કહ્યું છે. પરંતુ પોલીસે પણ સાવચેત રહેવાની જરૂર છે. આ વર્ષે અમે ખાસ કરીને ડ્રોનને તહેનાત કરવાનું નક્કી કર્યું છે. પોલીસે જણાવ્યું હતું કે જો કોઈ સ્થળે મોટી સંખ્યામાં ભીડ એકઠી થશે તો, અમારી ટીમ તરત ત્યાં પહોંચી જશે અને લોકોને કોવિડ-19ના નિયમોનું પાલન કરવા માટે વિનંતી કરશે.

પોલીસને હાઈ રિઝોલ્યુશન ડ્રોન આપવામાં આવ્યા છે, જેને ઓટો મોડ પર પણ મૂકી શકાય છે. આ ડ્રોનમાં હાઈ-વિઝન કેમેરા છે જે ચહેરા પર ઝૂમ કરી શકે છે અને લાંબા સમય સુધી ફરતા રહે છે. જો સિસ્ટમમાં કોઈ રૂટ નાખવામાં આવે તો, આ ડ્રોન આપમેળે ફરતું રહે છે અને આસપાસ થતી ઘટનાઓની લાઈવ ફીડ આપે છે.