. (Photo by Pascal Le Segretain/Getty Images)

સંજય લીલા ભણશાળીની બહુચર્ચિ ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ની રિલીઝ નવી તારીખ જાહેર થઇ ગઇ છે. અગાઉ આ ફિલ્મને આ વર્ષે રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આલિયા ભટ્ટ અને અજય દેવગણ અભિનિત આ ફિલ્મ આવતા વર્ષે 6 જાન્યુઆરીએ રિલીઝ કરાશે.

કોરોના મહામારીના કારણે ફિલ્મના મેકર્સે નવી રિલીઝ તારીખ જાહેર કરી છે. આલિયા ભટ્ટે પણ નવી તારીખ સાથેનું પોસ્ટર શેર કરતાં લખ્યું, ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ મારા દિલ અને આત્માનો ટુકડો છે. તેને 6 જાન્યુઆરી 2022ના રોજ તમારી નજીકના સિનેમાઘરોમાં લાવી રહ્યા છીએ.’ ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં 22 ઓક્ટોબરથી થિયેટરો ખુલવાની જાહેરાત રાજ્ય સરકારે કરી હતી. મહારાષ્ટ્ર સરકારની આ જાહેરાત બાદ ફિલ્મકારોએ અત્યાર સુધી રોકી રાખેલી ફિલ્મોની રિલીઝ ડેટની જાહેરાત કરવાનું શરૂ કર્યું હતું. છેલ્લા દોઢ વર્ષમાં કોરોનાના કારણે ઘણી ફિલ્મો રિલીઝ નહોતી થઈ શકી, જે હવે આ વર્ષના બાકીના મહિનાઓ અને 2022માં રિલીઝ થશે.

આલિયાની વાત કરીએ તો રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પ્રથમવાર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં સાથે જોવા મળશે. અયાન મુખર્જીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં મૌની રોય, અમિતાભ બચ્ચન, ડિમ્પલ કાપડિયા અને નાગાર્જુન પણ છે. આ સિવાય આલિયા પાસે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’, ‘RRR’, ‘ડાર્લિંગ્સ’ અને ‘જી લે ઝરા’ જેવી ફિલ્મો પણ છે.