અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી (ફાઇલ ફોટો) (Photo by SAM PANTHAKY/AFP via Getty Images)

એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ ગૌતમ અદાણી અને તેમના પરિવારે ગૌતમ અદાણીના 60મા જન્મદિવસ નિમિત્તે સામાજિક સેવાના કાર્યો માટે 7.7 બિલિયન ડોલર (આશરે રૂ.60,000 કરોડ)નું દાન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ગૌતમ અદાણીના 24 જુને 60માં જન્મદિન નિમિતે આ જાહેરાત કરવામાં આવી હતી. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ મુજબ ગૌતમ અદાણીની કુલ સંપત્તિ આશરે 92 બિલિયન ડોલર છે.

આ ભંડોળનું સંચાલન અદાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે અને તે આરોગ્ય, શિક્ષણ અને સ્કીલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવા જેવા સામાજિક કામગીરી પાછળ ખર્ચવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.

અદાણી ગ્રૂપે જણાવ્યું કે, “ભારતીય કોર્પોરેટ સેક્ટરના ઈતિહાસમાં કોઇ ફાઉન્ડેશન તરફથી અત્યાર સુધીનું આ સૌથી મોટું દાન છે. ઉપરાંત ગૌત્તમ અદાણીના પિતા શાંતિલાલ અદાણીની જન્મ શતાબ્દી વર્ષને ધ્યાનમાં રાખીને પણ આ સખાવત કામગીરી હાથ ધરાવામાં આવી છે.મૂળ ગુજરાતી ઉદ્યોગપતિ ગૌત્તમ અદાણીની ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાં ગણના થાય છે. 24 જૂન, 2022 શુક્રવારના રોજ 60 વર્ષના થઇ રહેલા ઉદ્યોગપતિ ગૌત્તમ અદાણી પહેલી પેઢીના ઉદ્યોગસાહસિક (ફર્સ્ટ- જનરેશન આંત્રપ્રિન્યોર) છે તેમજ ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગ અને બર્કશાયર હાથવેના વડા વોરેન બફેટ જેવા દુનિયાના ધનકુબેરોની હરોળમાં જોડાય છે જેમણે પોતાની સંપત્તિનો એક મોટો હિસ્સો પરોપકારી કાર્ય પાછળ ખર્ચવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર ચાલુ વર્ષે ગૌત્તમ અદાણીની સંપત્તિ 15 અબજ ડોલર વધીને લગભગ 92 અબજ ડોલર થઇ છે, જે સમગ્ર વિશ્વમાં ધનિકોની સંપત્તિમાં સૌથી મોટો વધારો છે.