ભારત સરકારના કોરોના રસીકરણ અભિયાનની પ્રશંસા કરતાં અમેરિકાના નાણા વિભાગે શુક્રવારે સંસદમાં આપેલા અર્ધવાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે કોરોનાની ત્રણ લહેર આવી હોવા છતાં ઝડપી રસીકરણને કારણે ભારતના અર્થતંત્રમાં મજબૂત રિકવરી આવી છે. ભારતમાં કોરોનાની બીજી લહેરને કારણે આર્થિક વૃદ્ધિને 2021ના મધ્યભાગમાં ફટકો પડ્યો હતો અને રિકવરીમાં વિલંબ થયો હતો.

રીપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે જોકે ભારતમાં ઝડપી વેક્સિનેશનને કારણે 2021ના બીજા છ મહિનામાં અર્થતંત્ર મજબૂત રિકવરી આવી હતી. 2021ના અંત સુધીમાં 44 ટકા વસતિને બંને ડોઝ અપાયા હતા.  2020માં અર્થતંત્રમાં સાત ટકાનો તીવ્ર ઘટાડો થયો હતો, પરંતુ 2021ના બીજા ક્વાર્ટરમાં આર્થિક ઉત્પાદન મહામારી પહેલાના સ્તરે આવી ગયું હતું. 2021ના સંપૂર્ણ વર્ષમાં ભારતે આઠ ગ્રોથ દર્શાવ્યો હતો.

રીપોર્ટમાં જણાવ્યું હતું કે 2022ના પ્રારંભમાં ઓમિક્રોનને પગલે ત્રીજી લહેર આવી હતી, પરંતુ મોતની સંખ્યા અને એકંદર આર્થિક અસર મર્યાદિત રહી હતી. ભારત સરકારે 2021માં મહામારી વચ્ચે અર્થતંત્રને સપોર્ટ આપવાનું ચાલુ રાખ્યું હતું. રિઝર્વ બેન્કે મે 2020 પછી તેના પોલિસી રેટ્સ ચાર ટકાએ સ્થિર રહ્યાં હતા, પરંતુ જાન્યુઆરી 2021માં તેને લિક્વિડિટીમાં ઘટાડો કરવાનું તબક્કાવાર ધોરણે ચાલુ કર્યું હતું. 2021માં રેમિટન્સ આશરે પાંચ ટકા વધીને 87 અબજ ડોલર થયું હતું.

ભારતીય અર્થતંત્રે દ્રષ્ટાંતરૂપ પ્રતિકાર ક્ષમતા દર્શાવીઃ CEA

ભારતે કોરોના મહામારીની કટોકટીથી ફરી બેઠા થવામાં ઉદાહરણરૂપ પ્રતિકાર ક્ષમતા દર્શાવે છે. ધનિક અને વિકાસશીલ દેશોની તુલનાએ ભારતના અર્થતંત્રના ફંડામેન્ટલ વધુ મજબૂત છે. અર્થતંત્રના તમામ માપદંડો અને મુખ્ય આર્થિક ગતિવિધિઓ હવે મહામારી પહેલા સ્તરને વટાવીને ગયા છે અને હાલમાં આર્થિક વૃદ્ધિ માટે સાનુકૂળ પરિબળો છે. સરકારે નીતિવિષયક સ્તરે ઝડપી અને સચોટ પગલાં લીધા છે, જેને રિઝર્વ બેન્કની સમયસરની દરમિયાનગીરીથી સપોર્ટ મળ્યો છે, એમ હરિયાણામાં ‘ભારતીય અર્થતંત્રઃ ભાવિ, પડકારો અને પગલાં’ અંગેના એક કાર્યક્રમમાં મુખ્ય આર્થિક સલાહકાર અનંથ નાગેશ્વરને શનિવારે જણાવ્યું હતું.