પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

વિશ્વના ભારત સહિતના 136 દેશોનું જૂથ મોટી કંપનીઓ માટે 15 ટકા મિનિમમ ગ્લોબલ ટેક્સ રેટ માટે શુક્રવારે સંમત થયા છે. આ દેશોની વચ્ચેની ઐતિહાસિક સમજૂતીને પગલે મોટી કંપનીઓ માટે ટેક્સ ટાળવાનું પણ મુશ્કેલ બનશે. અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને આ સમજૂતીને તમામ માટે સમાન તક ગણાવી હતી. ભારતે છેલ્લી મિનિટે આશંકે વ્યક્ત કરી હતી, પરંતુ આખરે સમજૂતીને સમર્થન આપ્યું હતું.

આ ડીલનો હેતુ મિનિમમ કોર્પોરેટ ટેક્સ રેટ દ્વારા નીચા ટેક્સ માટેની ચાર દાયકાથી ચાલી આવતી હોડનો અંત લાવવાનો છે. વિશ્વના ઘણા દેશો બહુરાષ્ટ્રીય કંપનીઓના રોકાણને આકર્ષવા માટે નીચા ટેક્સ રેટના પ્રલોભન આપતા હોય છે અને ઘણા દેશો ટેક્સ હેવન દેશો છે.

લઘુતમ કોર્પોરેટ ટેક્સ રેટ માટે ચાર વર્ષથી વાટાઘાટ ચાલુ હતી અને કોરોના મહામારીના ખર્ચને કારણે તેને તાજેતરના મહિનામાં વેગ મળ્યો હતો. આર્યલેન્ડ, ઇસ્ટોનિયા અને હંગેરીએ પોતાનો વિરોધ પડતો મુકીને હસ્તાક્ષર કર્યા બાદ આ સમજૂતી અંગે સંમતી સધાઈ હતી.

15 ટકાનો લઘુતમ ટેક્સ ઔદ્યોગિક દેશોના સરેરાશ 23.5 ટકા કોર્પોરેટ રેટ કરતાં ઘણા નીચો છે.
જો બાઇડને એક નિવેદનમાં જણાવ્યું હતું કે “ઇતિહાસમાં પ્રથમ વખત થયેલી આ સમજૂતીને પગલે મજબૂત ગ્લોબલ મિનિમમ ટેક્સથી અમેરિકાના કામદારો અને કરદાતાઓ અને બાકીના વિશ્વને આખરે સમાન તક મળશે.
આ ડીલનો હેતુ આર્યલેન્ડ જેવા નીચા ટેક્સ ધરાવતા દેશોમાં વિશ્વભરના ક્લાયન્ટનો નફો બૂક કરતી કંપનીઓને અટકાવવાનો છે. સરહદ પાર સરળતાથી બિઝનેસ કરતી “બિગ ટેક” કંપનીઓના આગમનને કારણે આ મુદ્દો વધુ મહત્ત્વનો બન્યો છે.

આ સમજૂતીમાં સામેલ 140 દેશોમાંથી 136 દેશોએ ડીલને સમર્થન આપ્યું છે. કેન્યા, નાઇજિરિયા, પાકિસ્તાન અને શ્રીલંકા ગેરહાજર રહ્યાં હતા. આ સમજૂતી માટે મંત્રણાની આગેવાની લેનાર પેરિસ સ્થિત ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD)એ જણાવ્યું હતું કે આ સમજૂતીમાં આશરે 90 ટકા વૈશ્વિક અર્થતંત્રને આવરી લેવામાં આવ્યું છે.

બ્રિટનના નાણાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે “હવે વધુ વાજબી ટેક્સ સિસ્ટમનો માર્ગ મોકળો થયો છે. આ સિસ્ટમમાં મોટી વૈશ્વિક કંપનીઓ ગમે તે જગ્યાએ બિઝનેસ કરે, પરંતુ તેમનો વાજબી હિસ્સો આપશે.
જોકે સમજૂતીના હસ્તાક્ષરની શાહી હજુ સુકાઈ નથી ત્યારે કેટલીક દેશો તેના અમલ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે. સ્વીસ નાણામંત્રાલયે માગણી કરી છે કે નાના અર્થતંત્રોના હિતને ધ્યાનમાં રાખવા જોઇએ અને અમલીકરણની 2023ની મહેતલ અસંભવ છે. વિદેશી રોકાણકારો પરની અસર અંગે ચિંતા વ્યક્ત કરનારા પોલેન્ડે જણાવ્યું હતું કે તે આ સમજૂતી માટે કાર્ય ચાલુ રાખશે.

અમેરિકાના નાણાપ્રધાન જેનેટ યેલેને આ સમજૂતીને અમેરિકન પરિવારો અને આંતરરાષ્ટ્રીય બિઝનેસ માટેનો વિજય લેખાવીને જણાવ્યું હતું કે આજની સમજૂતી આર્થિક ડિપ્લોમેસી માટેની એક મોટી સિદ્ધિ છે.

OECDએ જણાવ્યું હતું કે મિનિમમ રેટથી વિશ્વના દેશોને વાર્ષિક ધોરણે આશરે 150 બિલિયન ડોલરની નવી આવક થશે. આ ઉપરાંત 125 બિલિયન ડોલરના નફા પર ટેક્સ લાદવાનો હક મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓ આવક મેળવે છે તેવા દેશોને મળશે.

જોકે ઊંચા મિનિમમ ટેક્સની માગણી કરતાં કેટલાંક વિકાશશીલ દેશો જણાવે છે કે આર્યલેન્ડ જેવા ધનિક દેશોના હિતને ધ્યાનમાં રાખીને તેમના હિતની પરવા કરવામાં આવી નથી. કેન્યા, નાઇજિરિયા અને શ્રીલંકાએ આ સમજૂતીના અગાઉના મુસદ્દાને સમર્થન આપ્યું ન હતું, પરંતુ પાકિસ્તાની ગેરહાજરી આશ્ચર્યજનક હતી. ભારતે છેલ્લી ઘડીએ ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ આખરે સમજૂતીને સમર્થન આપ્યું હતું.