ઇન્ટરનેશનલ મોનેટરી ફંડનાં ગીતા ગોપીનાથે 2023 સુધીમાં અમેરિકા જેવા મોટા દેશો મંદીમાં સપડાશે તેવો રીપોર્ટ આપ્યા પછી હવે અન્ય રીસર્ચ અને ફાઇનાન્સિયલ હાઉસ અને રેટિંગ એજન્સી નોમુરા હોલ્ડિંગ્સે વિશ્વના મોખરાના દેશો પર ચિંતા રજૂ કરતો એક રીપોર્ટ આપ્યો છે. જે મુજબ આવનારા એક વર્ષમાં ત્યાં મંદીનો માહોલ હશે. જેનું મુખ્ય કારણ જીવનનિર્વાહનો વધતો ખર્ચ અને સરકારની નીતિઓની કડકાઈ અને સેન્ટ્રલ બેંકો દ્વારા વ્યાજ ધિરાણ નીતિ કડક કરવાનું માનવામાં આવે છે.
રીપોર્ટ પ્રમાણે અમેરિકા, યુકે, કેનેડા, યુરોપિયન યુનિયન, જાપાન, સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિયા મંદીમાં સપડાશે છે. નોમુરાના રીસર્ચમાં જણાવાયું છે કે વૈશ્વિક અર્થવ્યવસ્થા વૃદ્ધિ મંદી તરફ જઈ રહી છે. સેન્ટ્રલ બેંકો વૃદ્ધિ કરતાં મોંઘવારી પર અંકુશ મેળવવાને પ્રાથમિકતા આપી રહી છે. ફુગાવાને અંકુશમાં રાખવા માટે નાણાકીય નીતિ સતત કડક કરવામાં આવી રહી છે. વિશ્વની અર્થવ્યવસ્થા મંદી તરફ આગળ વધી રહી છે આનો અર્થ એ છે કે તમે નિકાસ પર આધાર રાખી શકતા નથી.
જાપાનીઝ ફાઇનાન્સિયલ સર્વિસ ફર્મ- નોમુરાના જણાવ્યા અનુસાર 2023માં અમેરિકા અને યુરોપના દેશોની અર્થવ્યવસ્થા એક ટકા સુધી સંકોચાઈ શકે છે. અર્થશાસ્ત્રીઓના મતે વ્યાજદરમાં વધારાને કારણે જો હાઉસિંગ સેક્ટર પડી ભાંગશે તો મધ્યમ કદના અર્થતંત્ર માટે સંકટ વધશે. ઓસ્ટ્રેલિયા, કેનેડા અને સાઉથ કોરિયા સહિત મધ્યમ કદના અર્થતંત્રો માટે કટોકટી વધી શકે છે.
=================================================