પંજાબમાં જાણીતા ગાયક સિધુ મૂસેવાલાની હત્યાના કેસમાં જવાબદાર ગોલ્ડી બ્રાર વિરુદ્ધ ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કર્યા પછી, ભારત હવે અધિકૃત રીતે કેનેડામાંથી બહાર કાઢવા માટે ઓટાવાને વિનંતી કરશે.
ગુરુવારે ઇન્ટરપોલ દ્વારા રેડ નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી અને તેણે 28 વર્ષીય સતીન્દરજીત સિંઘ (ગોલ્ડી બ્રાર) નામ આપ્યું હતું, જેનો જન્મ પંજાબના શ્રી મુક્તસર સાહિબમાં થયો હતો અને તે ભારતીય નાગરિક છે. તેની સામે હત્યાનો પ્રયાસ, ગુનાઇત કાવતરું, ગેરકાયદે હથિયારો પહોંચાડવા, હત્યા સહિતના ગુનાઓની યાદી છે.
આ અંગે એક ભારતીય અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, ‘સામાન્ય રીતે, યજમાન દેશો પાસે RCN (રેડ કોર્નર નોટિસ) અંતર્ગત વ્યક્તિઓને શોધવા, તેમની અટકાયત કરવાની અને પ્રત્યાર્પણની કાર્યવાહી શરૂ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. અમે કેનેડાને દ્વિપક્ષીય રીતે પણ કાર્યવાહી કરવા વિનંતી કરીશું.’
બ્રાર, 2017માં કેનેડામાં એક વિદ્યાર્થી તરીકે આવ્યો હતો, તેણે ગત મહિને પંજાબના માનસા જિલ્લામાં લોકપ્રિય કલાકાર અને રાજકારણી સિધુ મૂસેવાલાની હત્યા માટે લોરેન્સ બિશ્નોઈ ગેંગ વતી જવાબદારી સ્વીકારી હતી.
ઈન્ટરપોલના જણાવ્યા મુજબ, ‘રેડ નોટિસ એવો ભાગેડુઓને ઇસ્યુ કરવામાં આવે છે, જેઓ કાં તો કાર્યવાહીનો સામનો કરવા અથવા તો સજા ભોગવવા ઇચ્છે છે. રેડ નોટિસ એ પ્રત્યાર્પણ, શરણાગતિ અથવા સમાન કાયદાકીય કાર્યવાહી બાકી હોય તેવી વ્યક્તિને શોધવા અને હંગામી ધરપકડ કરવા માટે વિશ્વભરની પોલીસની વિનંતી હોય છે.’
ઇન્ડિયન અને કેનેડિયન પોલીસ વચ્ચેના સહકારમાં સુધારો થયો હોવાથી પણ આ વાત આગળ વધી છે. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) ની એક ટીમે તાજેતરમાં નવી દિલ્હીમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ અંગે RCMP એ ટ્વીટ કર્યું હતું કે, તેમણે ‘સંયુક્ત વર્કશોપમાં ભાગ લીધો’ જેમાં ‘માહિતીની આપ-લે, તપાસ પરસ્પર સહયોગ અને આતંકવાદ સામે લડવા માટેના મુદ્દા પર ચર્ચા થઇ હતી.’.
નવી દિલ્હીમાં કેનેડાના હાઈ કમિશનર કેમેરન મેકેએ આ સંદર્ભમાં ટ્વીટ કર્યું હતું કે, એજન્સીઓ ‘આંતરરાષ્ટ્રીય ગુનાખોરી સામે લડવા અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરી રહી છે.’
કેનેડિયન બોર્ડર સર્વિસીસ એજન્સી (CBSA)ના જણાવ્યા પ્રમાણે, તે ‘સુરક્ષા અથવા સુરક્ષાના આધાર પર કેનેડામાં અસ્વીકાર્ય વ્યક્તિઓને દૂર કરવાની બાબતને પ્રાથમિકતા આપે છે, જેમાં (સુરક્ષા, આયોજિત ગુનાખોરી અથવા માનવાધિકારોનું ઉલ્લંઘન, ગંભીર ગુનાખોરી અને ગુનાઇતતા), સહિત અનિયમિત આગમન નિષ્ફળ આશ્રિત દાવેદારોનો સમાવેશ થાય છે.
જોકે, આવી કોઈપણ કાર્યવાહી સામે અપીલ કરી શકાય છે અને કેનેડાની કોઈપણ કોર્ટમાં હજુ સુધી બ્રાર વિરુદ્ધ કોઈ આરોપ સાબિત થયા નથી.