REUTERS/Dado Ruvic/Illustration/File Photo

ગૂગલ મેપ્સે બુધવાર (27)એ ભારતના 10 શહેરો માટે તેની પેનોરેમિક સ્ટ્રીટ વ્યૂ સર્વિસ લોન્ચ કરી છે. પ્રથમ પ્રયાસ સામે નિયમનકારી અવરોધ આવ્યાના 11 વર્ષ બાદ ગૂગલે ભારતની આઇટી કંપની ટેક મહિન્દ્રા અને જેનેસિસ સાથે ભાગીદારી કરીને આ સર્વિસ લોન્ચ કરી છે. આ દસ શહેરોમાં અમદાવાદ, બરોડા, બેંગલુરુ, ચેન્નાઇ, દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, પૂણે, નાશિકનો સમાવેશ થાય છે.

વિશ્વભરની સ્ટ્રીટના 360 ડિગ્રી વ્યૂ ઓફર કરતા આ ફીચર સામે ઘણા દેશોમાં પ્રાઇવેસીની ફરિયાદો થઈ છે અને તેનાથી નિયમનકારી અવરોધ આવ્યા છે.છેલ્લાં એક દાયકામાં સુરક્ષાની ચિંતાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે બે વખત ગૂગલને આ સર્વિસની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો.

કંપનીના એક્ઝિક્યુટિવ્સે બુધવારે જણાવ્યું હતું કે ગયા વર્ષે ભારતની નવી જિયોસ્પેશીયલ પોલિસીને કારણે તે નિયમનકારી જરૂરિયાતો પૂરી કરી શકી છે. આ નીતિ મુજબ વિદેશી મેપ ઓપરેટર્સ સ્થાનિક ભાગીદારો પાસેથી ડેટાના લાઇસન્સ મારફત પેનોરેમિક ઇમેજરી સર્વિસ પૂરી પાડી શકે છે. ભારતમાં ડેટા કલેક્શનની કામગીરી સંપૂર્ણપણે ટેક મહિન્દ્રા અને જેનેસિસ પાસે રહેશે. ગૂગલે આ વર્ષના અંત સુધીમાં ભારતના 50 શહેરોમાં આ સર્વિસ ઉપલબ્ધ કરશે.
સ્ટ્રીટ વ્યૂ ઇમેજરીમાં પ્રાઇવસીની ચિંતાને દૂર કરવા માટે વ્યક્તિઓના ચહેરા અને લાઇસન્સ પ્લેટ બ્લેર કરાશે. ગૂગલે મેપ્સ પર એર ક્વોલિટીની માહિતી પૂરી પાડવા માટે ભારતના કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સાથે પણ ભાગીદારી કરી છે.