નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન

એનપીસીના સુપ્રીમો શરદ પવાર અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારુખ અબ્દુલ્લા પછી પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ ગોપાલક્રિષ્ન ગાંધીએ પણ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષના સંયુક્ત ઉમેદવાર બનવાનો ઇનકાર કર્યો છે. આમ ત્રણ નેતાઓએ રાષ્ટ્રપતિના ઉમેદવાર બનવાનો ઇનકાર કર્યા બાદ વિરોધ પક્ષો હવે વાજપેયી સરકારના ભૂતપૂર્વ પ્રધાન યશવંત સિંહાના નામ પર વિચારણા કરી રહ્યાં છે.

ગોપાલકૃષ્ણ ગાંધીએ પણ વિપક્ષની ઓફર ઠુકરાવી દીધી હોવાથી ભાજપની આગેવાની હેઠળના એનડીએના ઉમેદવારનો સામનો કરવા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંયુક્ત ઉમેદવાર ઊભો રાખવાની વિપક્ષની યોજનાને ફટકો પડ્યો છે. વિરોધ પક્ષો હવે મંગળવારે નવી દિલ્હીમાં બેઠક યોજે તેવી શક્યતા છે.

ગોપાલક્રિષ્ન ગાંધીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિપક્ષના કેટલાંક સન્માનીય નેતાઓએ રાષ્ટ્રપતિની આગામી ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર તરીકે તેમના નામની વિચારણા કરીને તેમનું સન્માન કર્યું છે. હું તેમનો આભારી છું, પરંતુ આ મુદ્દે ગહન વિચારણા કર્યા બાદ મને લાગે છે કે વિપક્ષનો ઉમેદવાર વિપક્ષની એક્તા ઉપરાંત રાષ્ટ્રીય સર્વસંમતી અને રાષ્ટ્રીય માહોલ ઊભો કરી શકે તેવો હોવો જોઇએ. હું માનું છું કે બીજા ઉમેદવારો મારા કરતાં આ કામ વધુ સારી રીતે કરી શકે છે.

77 વર્ષીય ગોપાલક્રિષ્ન ગાંધી મહાત્મા ગાંધીના પૌત્ર છે. તેમણે સાઉથ આફ્રિકા અને શ્રીલંકામાં ભારતના હાઇ કમિશનર તરીકે પણ સેવા આપી છે. ગોપાલક્રિષ્ન ગાંધી 2017માં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર હતા, પરંતુ ચૂંટણીમાં એમ વેંકયા નાયડુ સામે તેમનો પરાજય થયો હતો.બે દિવસ પહેલા જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ફારુખ અબ્દુલ્લાએ પણ વિપક્ષના સંભવિત ઉમેદવાર તરીકે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. બુધવારે શરદ પવારને વિપક્ષની ઓફર બીજી વખત ઠુકરાવી દીધી હતી.

ટીએમસીના વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે વિપક્ષ હવે યશવંત સિંહના નામની વિચારણા કરી રહ્યાં છે. ભાજપના પૂર્વ નેતા યશવંત સિંહા ગયા વર્ષે ટીએમસીમાં જોડાયા હતા.