મોદી કેબિનેટે બુધવારે કૃષિ લોન માટે રાહત જાહેર કરી હતી. બેન્કો ખેડૂતોને રૂ. ૩ લાખ સુધીની ટૂંકા ગાળાની લોન રાહત દરે આપી શકે એ માટે ઇન્ટરેસ્ટ સબવેન્શન (વ્યાજ સબસિડી) યોજના માટે રૂ.૩૪,૮૫૬ કરોડની રકમને મંજૂરી આપવામાં આવી છે. માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, ૧.૫ ટકાના દરે ટૂંકા ગાળાની કૃષિ લોન અંગે કેબિનેટે તમામ નાણાસંસ્થાઓ માટે વ્યાજ સબસિડી યોજના ફરી લાગુ કરવાનો નિર્ણય લીધો છે. 

ધિરાણ સંસ્થાઓને ૨૦૨૨-૨૩ અને ૨૦૨૪-૨૫ માટે રૂ.૩ લાખ સુધીની ટૂંકા ગાળાની લોન પર ૧.૫ ટકાની વ્યાજ સબસિડી આપવામાં આવશે. વ્યાજ સબસિડી માટે ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪ માટે સૂચિત  યોજના હેઠળ બજેટમાં રૂ. ૩૪,૮૫૬ કરોડની વધારાની જોગવાઈ જરૂરી છે. અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, “ધિરાણકારો જાતે જ ૭ ટકાના દરે કૃષિ લોન આપી શકે તેમ હોવાથી મે ૨૦૨૦માં બેન્કોને વ્યાજ સબસિડી યોજના માટે અપાતી સહાય સરકારે બંધ કરી હતી.” જોકે, રિઝર્વ બેન્કે છેલ્લા કેટલાક મહિનામાં રેપો રેટ અથવા ટૂંકા ગાળાના ધિરાણ દરમાં ૧.૪૦ ટકાનો વધારો કર્યો છે.