(Photo by SAM PANTHAKY/AFP via Getty Images)

ગુજરાતમાં કોરોનાના વાઇરસના કેસમાં જંગી વધારાને પગલે ગુજરાત હાઇકોર્ટે ત્રણથી ચાર દિવસનું લોકડાઉન લાગુ કરવાની ટકોર કર્યા બાદ રાજ્ય સરકારે રાજ્યના 20 શહેરોમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ લાગુ કરવાની મંગળવારે રાત્રે જાહેરાત કરી હતી. આ શહેરોમાં 30 એપ્રિલ સુધી નાઇટ કરફ્યૂ અમલી રહેશે. ગુજરાતમાં મંગળવારે કોરોના વાઇરસના વિક્રમજનક 3,280 કેસ નોંધાયા હતા અને 17 વ્યક્તિના મોત થયા હતા.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત 30 એપ્રિલ સુધી સરકારી કચેરીઓમાં દર શનિવાર અને રવિવારે રજા રહેશે. 30 એપ્રિલ સુધી કોઈ મોટા કાર્યક્રમો થઈ શકશે નહીં. લગ્ન સમારંભમાં માત્ર 100 વ્યક્તિને મંજૂરી આપવામાં આવશે.

રાત્રી કરફ્યુ લાદવામાં આવ્યો છે તે શહેરોમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, ગાંધીનગર, જામનગર, ભાવનગર, આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલીનો સમાવેશ થાય છે.

રૂપાણીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની એક ટીમ ગુજરાત આવશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પીકે મિશ્રા સાથે વાતચીત કરી હતી. રાજ્યમાં લોકડાઉન કરવું પડે તેવી સ્થિતિનું સર્જન થયું નથી, પરંતુ કેટલાક મહત્વના નિર્ણયો લેવા જરૂરી છે. તેથી રાજ્યમાં રાત્રી કરફ્યૂના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. હવે ફક્ત ચાર મહાનગરો જ નહીં પરંતુ 20 શહેરોમાં રાત્રી કરફ્યૂ લાદવામાં આવશે. હવે રાત્રે 9 વાગ્યાના બદલે રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યૂ રહેશે.

કોર કમિટીની બેઠકમાં ટેસ્ટિંગ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત ટ્રેસિંગને પણ મહત્વ આપવામાં આવશે. કેન્ટેઈન્મેન્ટ ઝોન અંગે પણ વધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે રેમેડિસિવિરના ત્રણ લાખ ઈન્જેક્શનનો ઓર્ડર આપ્યો છે. કોરોનાના કેસ વધવાની સાથે ઓક્સિજનની માંગ પણ વધી રહી છે અને તેથી જે લોકો ઓક્સિજનનું ઉત્પાદન કરે છે તેને 70 ટકા ઓક્સિજન હોસ્પિટલો માટે રિઝર્વ રાખવાનું કહેવામાં આવશે.