ગુજરાત સરકારની કલ્યાણકારી યોજનાઓ લાભો સામાન્ય નાગરિકને આંગળીના ટેરવે મળી રહે તે માટે રાજ્ય સરકારે ટેકનોલોજી દ્વારા અનેકવિધ નવતર આયામ હાથ ધર્યાં છે, ડિજિટલ ગુજરાતના નિર્માણના સંકલ્પને સાકાર કરવા રાજ્ય સરકારનું અંદાજપત્ર (બજેટ) પણ આમ નાગરિકો માટે ઉપલબ્ધ થઈ શકે તે માટે વધુ એક નકકર કદમ ભરીને ‘ગુજરાત બજેટ મોબાઈલ એપ્લિકેશન’ તૈયાર કરી છે, તેમ નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલે જણાવ્યું છે.
રાજ્ય સરકારના નાણા વિભાગ દ્વારા તૈયાર કરાયેલ રાજયના અંદાજપત્ર અંગેની માહિતી આપતી ‘ગુજરાત બજેટ મોબાઈલ એપ્લિકેશન’ નું લોન્ચિંગ કરાવતા નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતનું વર્ષ ૨૦૨૧-૨૨ માટેનું અંદાજપત્ર ૩ માર્ચ-૨૦૨૧ના રોજ ગુજરાત વિધાનસભામાં રજૂ થશે. આ મોબાઈલ એપ્લીકેશન દ્વારા ધારાસભ્યો અને જન સામાન્યને બજેટ સંબંધિત દસ્તાવેજો ઝડપથી અને સરળ રીતે ઉપલબ્ધ કરાવી શકાશે. આ એપ્લીકેશનમાં ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં આગામી નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના અને પાછલા વર્ષોનાં, તમામ બજેટ સંબંધિત દસ્તાવેજો ઉપલબ્ધ થશે. લોકશાહીમાં નાગરિકોને પારદર્શિતાથી સત્વરે અંદાજપત્રની વિગતો આંગળીના ટેરવે ટેકનોલોજીના માધ્યમ દ્વારા પહોંચાડવા માટેની આ એપ્લિકેશન અત્યાર સુધીના ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં પ્રથમવાર રજુ થશે. આ મોબાઇલ એપ્લિકેશન, એન્ડ્રોઈડ વપરાશકર્તાઓ માટે ગૂગલ પ્લે સ્ટોર પર “ગુજરાત બજેટ” નામથી ઉપલબ્ધ છે. ટૂંક સમયમાં, આ એપ્લિકેશન એપલ પ્લે સ્ટોર દ્વારા આઈ.ઓ.એસ. વપરાશકર્તાઓને પણ પ્રાપ્ત થશે. રાજ્યના નાગરિકો, વિવિધ સરકારી, અર્ધસરકારી અને ખાનગી કચેરીઓ, વિવિધ સંસ્થાઓ, સરકારના વિવિધ વિભાગો આ મોબાઈલ એપની મદદથી સરકાર વતી બજેટમાં મૂકવામાં આવેલ લોકહિતની યોજનાઓની માહિતી હવે ગમે તે સ્થળેથી આંગળીના ટેરવે મેળવી શકશે. જેના પરિણામે રાજ્ય સરકારની યોજનાઓ છેવાડાના નાગરિકો સુધી સરળતાથી અને પારદર્શી રીતે પહોંચાડવામાં તથા યોજનાના ઉદ્દેશ મુજબના લાભોનું વિતરણ કરવામાં સરળતા થશે.
તેમણે ઉમેર્યું કે, આમોબાઈલ એપ્લિકેશનમાં મુખ્યત્વે પાંચ વિભાગો છે. જેમાં (૧) અંદાજપત્ર પ્રકાશનના વિભાગમાં વાર્ષિક નાણાકીય પત્રક, આવકનું અંદાજપત્ર તેમજ ૨૭ વિભાગોના વિગતવાર પ્રકાશનો ઉપલબ્ધ થશે. (૨) અંદાજપત્રની મહત્વની બાબતો વિભાગમાં અંદાજપત્રની મહત્વની બાબતો જેવી કે બજેટ ઇન બ્રીફ, બજેટ હાઈલાઈટ્સ નેગુજરાતી તેમજ અંગ્રેજી ભાષામાં મૂકવામાં આવશે. (૩) અંદાજપત્ર પ્રવચન પુસ્તિકામાં નાણામંત્રીશ્રીનાં અંદાજપત્ર પ્રવચનનાં ભાગ-ક અને ભાગ-ખ એમ બંને ભાગ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. (૪) અંદાજપત્રની રસપ્રદ વાતોમાં અંદાજપત્ર અંગેની વિવિધ રસપ્રદ માહિતી ઉપલબ્ધ થશે. એ જ રીતે (૫) અંદાજપત્રનાં સમાચારોમાં અંદાજપત્ર અંગેના સમાચારો સંક્ષિપ્તમાં આપવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતુ.
ગુજરાતની સ્થાપના થઇ ત્યારથી પ્રથમ અંદાજપત્ર વિધાનસભામાં રજુ થયું તે સમયે અંદાજપત્રના પ્રકાશનોની સંખ્યા ૩૦ હતી. જેમ જેમ રાજ્ય સરકારના વિભાગો વધતાં ગયા તેમ તેમ પ્રકાશનોની સંખ્યા પણ વધતી ગઇ. વિકસતા જતા ટેકનોલોજીના યુગમાં સ્ટેશનરીનો બચાવ થાય અને લોકશાહીમાં નાગરિકોને રાજ્ય સરકારની કામગીરીનો પારદર્શિતાથી સત્વરે વિગતો મળી રહે તે માટે દેશભરમાં ગુજરાતે પ્રથમવાર આ પ્રયાસ કર્યો છે. વર્ષ ૨૦૨૦-૨૧ ના અંદાજપત્રમાં આશરે ૭૩ જેટલા પ્રકાશનો પ્રકાશિત કરવામાં આવનાર છે. જેમાં ૫૫,૧૭,૩૦૫ પાનાની સંખ્યા થાય છે. અંદાજપત્રના પ્રકાશનો ડીજીટલ સ્વરૂપે આવતાં હવે જરૂરીયાત મુજબ ૨૦ % અંદાજપત્રના પ્રકાશનો છાપવામાં આવશે. એટલે સ્ટેશનરીનો બચાવ થશે.