Gujarat Assembly Election:

ગુજરાત વિધાનસભાની 19 જિલ્લાની 89 બેઠક માટે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે 1 ડિસેમ્બરે મતદાન યોજાયું હતું. આ મતદાન પછી તમામ મુખ્ય રાજકીય પક્ષોએ પોતાની જીતના દાવા કર્યા હતા. જોકે, આ મતદાનના આંકડા ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી માટે અસમંજસ ઊભા કરનારા છે. કારણ કે, પ્રથમ તબક્કામાં અંતે કુલ સરેરાશ 63.14 ટકા મતદાન થયું છે. રાજકીય પક્ષોની ચિંતા એ છે કે, 2017ની સરખામણીમાં પ્રથમ તબક્કાની બેઠકો માટે 69.01 ટકા ઓછું મતદાન થયું હતું. એટલે કે, આ વખતના મતદાનમાં 5.87 ટકાનો ઘટાડો થયો છે. જોકે, 2002 અને 2012ની સરખામણીમાં કુલ મતદાન વધુ છે. 2002માં કુલ મતદાન 61.53 ટકા હતું તો 2007માં કુલ મતદાનની ટકાવારી 59.77 હતી. એવી જ રીતે 2012માં 71.32 ટકા મતદાન થયું હતું. જોકે, મહત્વની વાત એ છે કે, ગુજરાતમાં હજુ બીજો તબક્કો બાકી છે. એટલે પાંચમી ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થયા બાદ બંને તબક્કાના મતદાનને આધારે સરેરાશ કુલ મતદાનની ટકાવારી નક્કી થશે.
મતદાનના આંકડા મુજબ કચ્છ જિલ્લાની કુલ છ બેઠકો માટે સૌથી ઓછું 59.80 ટકા સરેરાશ મતદાન થયું છે. જ્યારે, સૌરાષ્ટ્ર ઝોનના કુલ 11 જિલ્લાની કુલ 48 બેઠકો માટે સરેરાશ કુલ 61.27 ટકા મતદાન થયું છે. દક્ષિણ ગુજરાત ઝોનના સાત જિલ્લાની કુલ 35 બેઠક માટે સરેરાશ કુલ 70.21 ટકા મતદાન થયું છે. પ્રથમ તબક્કામાં જે 19 જિલ્લામાં મતદાન થયું હતું, તેમાંથી એક માત્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાની બે બેઠક માટે 2017ની ચૂંટણીમાં થયેલા 59.81 ટકા મતદાનની સામે આ વખતે સરેરાશ 61.71 ટકા મતદાન થયું છે. સૌથી ઓછું 57.58 ટકા મતદાન બોટાદ જિલ્લામાં થયું છે, જ્યાં જે ગત ચૂંટણી કરતાં 5.16 ટકા મતદાન ઓછું થયું છે.

LEAVE A REPLY

18 − 12 =