ગત વર્ષે ગુજરાતમાં રચાયેલી ભૂપેન્દ્ર પટેલની સરકારનું પ્રથમ બજેટ સત્ર ૨ માર્ચથી વિધાનસભામાં શરૂ થશે. આ સત્રમાં ૩ માર્ચે નાણા પ્રધાન કનુભાઈ દેસાઈ નવી સરકારનું પ્રથમ બજેટ રજૂ કરશે. જેનું કુલ કદ અંદાજે રૂ. ૨.૩૨ લાખ કરોડ રહેવાની સંભાવના છે. સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલ વિધાનસભા ગૃહને સંબોધિત કરાશે. સામાન્ય રીતે વિધનસભાનું બજેટ સત્ર દર વર્ષે ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહથી શરૂ થાય છે અને તે લગભગ ૩૨-૩૫ દિવસ સુધી ચાલતું હોય છે પરંતુ આ વખતે કોરોનાની વર્તમાન સ્થિતિના કારણે વિધાનસભાનું બજેટ સત્ર ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહને બદલે ૨જી માર્ચથી ૩૧મી, માર્ચ સુધીના ૩૦ દિવસ માટે મળશે.
આ વખતના બજેટ સત્રમાં રજાઓને બાદ કરતાં બાકી રહેતાં ૨૧ દિવસ માટે આ સત્ર કામ કરશે. જેમાં ૫થી ૮ જેટલી ડબલ બેઠકો પણ યોજાશે. પ્રધાનમંડળની બેઠકમાં રાજ્ય સરકારના આ વખતના બજેટ સત્રના કાર્યક્રમને આખરી ઓપ અપાયા બાદ તેને રાજ્યપાલના અનુમોદન માટે મોકલાશે. રાજ્યપાલ દ્વારા વિધાનસભાના સત્રનું આહ્વાન કરાયા બાદ કેબિનેટની મંજૂરીથી આ સત્રમાં લગભગ ૧૦થી વધુ કાયદામાં સુધારા સૂચવતાં વિધેયકો વિધાનસભામાં મંજૂર કરાશે.
સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલ દ્વારા ગૃહની બેઠકને સંબોધિત કરાશે ત્યારબાદ વિધાનસભાના સદગત ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ અપાશે. સત્રના બીજા દિવસે ૩જી માર્ચે નવા નાણા પ્રધાન કનુભાઈ દેસાઈ ગુજરાત સરકારનું વર્ષ ૨૦૨૨-૨૩ માટેનું બજેટ રજૂ કરશે. જે વર્તમાન રાજ્ય સરકારનું અને નાણામંત્રીનું પ્રથમ બજેટ હશે. નવેમ્બર-ડિસેમ્બરમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની હોવાથી તે ચૂંટણી આડેનું અંતિમ બજેટ પણ હશે.